નવી દિલ્હીઃ આમ આદમી પર વધુ એક માર પડ્યો છે. કોમર્શિયલ LPG પછી ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં વધારો થયો છે. શનિવારે ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતોમાં રૂ. 50નો વધારો થયો છે. કિંમતોમાં વધારા પછી ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં રૂ. 999.50 પ્રતિ સિલિન્ડર થઈ ગયા છે.
પેટ્રોલ-ડીઝલ, CNG અને PNGની સાથે-સાથે LPG ગેસની કિંમત સતત વધી રહી છે. LPG સિલિન્ડરની કિંમત રૂ. 50 વધ્યા છે, જે આજથી અમલમાં આવશે.
LPG ગેસની કિંમતો વધ્યા પછી દિલ્હીમાં 14.2 કિલોના ઘરેલુ LPG સિલિન્ડરની કિંમત રૂ. 999.50 સિલિન્ડરદીઠ થઈ ગઈ છે. આ પહેલાં 22 માર્ચે ઘરેલુ LPG સિલિન્ડરની કિંમત રૂ. 50 વધ્યા હતા. જોકે એપ્રિલમાં ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતોમાં કોઈ વધારો નહોતો થયો. એપ્રિલમાં કોમર્શિયલ LPGની કિંમતમાં રૂ. 250નો વધારો થયો હતો. એ પછી પહેલી મેએ એની કિંમત રૂ. 102.50નો વધારો થયો હતો. દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત રૂ. 2355.50 થઈ ગઈ છે. પાંચ કિલોના LPG સિલિન્ડરની કિંમત રૂ. 655એ પહોંચી હતી.
પેટ્રોલ અને ડીઝલની કિંમતો પહેલેથી ઊંચા સ્તરે છે, જેથી સામાન્ય માણસ પરેશાન છે, ત્યાં હવે ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં વધારાથી આમ આદમી પર વધુ મોંઘવારીનો માર પડ્યો છે. ઓઇલ અને LPG સિલિન્ડરની કિમતોમાં વધારા પછી વિપક્ષ સતત કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધી રહ્યો છે. સિલિન્ડરની કિંમતોમાં વધારા પછી સોશિયલ મિડિયા પર યુઝર્સ તીખી પ્રતિક્રિયા આપી રહ્યા છે.
