80-વર્ષના વૃદ્ધ પિતાએ 62-વર્ષના પુત્રને વૃદ્ધાશ્રમમાં મૂક્યો

નાગપુરઃ સામાન્ય રીતે પુત્ર પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે, પણ મહારાષ્ટ્રના નાગપુરમાં એક વિચિત્ર કિસ્સો બન્યો છે. અહીં એક વૃદ્ધાશ્રમમાં 62 વર્ષના સિનિયર સિટિઝનને મૂકવા તેના 80 વર્ષના પિતા આવ્યા હતા. એ વયોવૃદ્ધ દ્વારા તેના પુત્રને મૂકવા આવવા માટે કારણ જાણશો તો તમે દંગ થઈ જશો. એનું કારણ પરિવારનો આંતરકલહ મુખ્ય કારણ હતું. પુત્રને મૂકવા આવેલા વૃદ્ધ માતા-પિતાની આંખોમાંથી અશ્રુ વહી રહ્યાં હતાં.

તેમણે જણાવ્યું હતું કે પુત્રને તેની પત્ની ઘણી ફરેશાન કરતી હતી. કેટલીય વાર તેની મારપીટ પણ કરી ચૂકી છે. છેલ્લા ઘણા દિવસોથી 62 વર્ષીય શખસની સાથે મારપીટ પછી તેની તબિયત ખરાબ થઈ ગઈ હતી.  એ પછી વૃદ્ધ માતા-પિતાએ પુત્રને વૃદ્ધાશ્રમમાં મૂકવાનો નિર્ણય કર્યો હતો. તેમણે કહ્યું હતું કે પુત્રને અહીં છોડવાનું દુઃખ છે, પણ એ વાતનો આનંદ છે કે તેની સારસંભાળ સારી રીતે થઈ શકશે. વૃદ્ધ દંપતીએ જણાવ્યું હતું કે લગ્ન પછીથી તેની પત્ની તેમના પુત્રને પરેશાન કરતી હતી. વહુએ લગ્ન પછી સાસુ-સસરા સાથે રહેવાનો ઇનકાર કર્યો હતો. તેઓ કહેતાં હતાં કે પુત્ર-વહુનો ઘરસંસારમાં કોઈ પણ પ્રકારનો ખલેલ ન પડે, એટલે અમે અલગ રહેવાનો નિર્ણય કર્યો. જોકે પુત્ર એ માટે તૈયાર નહોતો, પણ તેને સમજાવીને રાજી કરી લીધો હતો.

તેઓ જણાવે છે કે વહુનો વ્યવહાર દિવસે-દિવસે ગરમ થતો ગયો. જોકોઈ દિવસ પુત્ર માતા-પિતાને મળવા જાય તો વહુ બખેડો કરતી હતી. કેટલીક વાર તેને એ વાતે પણ મારવામાં આવતો હતો. લોકલાજને કારણે તેનો વ્યવહાર અત્યાર સુધી સહન કર્યો, પણ વહુનો સ્વભાવ વધુ બગડતો ગયો. તેમણે દાવો કર્યો હતો કે તેમનો પૌત્ર પણ તેના પિતા પર હાથ ઉઠાવી ચૂક્યો છે. 62 વર્ષીય તેમનો પુત્ર સરકારી નોકરીમાંથી નિવૃત્ત છે અને તેની પાસે એટલું પેન્શન આવે છે કે તે તેનો જીવનનિર્વાહ કરી શકે છે.