મિઝોરમ પોલીસે આસામના CM, અધિકારીઓ સામે FIR નોંધ્યા

ઐઝવાલઃ મિઝોરમ પોલીસે કોલાસિબ જિલ્લાના વૈરેંગતે નગરના બહારના હિસ્સામાં થયેલી હિંસા મામલે આસામના મુખ્ય પ્રધાન હેમંત બિસ્વ સરમા, રાજ્ય પોલીસના ચાર વરિષ્ઠ અધિકારીઓ અને બે અન્ય અધિકારીઓની સામે ગુનાઇત મામલા નોંધ્યા છે, એમ પોલીસે માહિતી આપી હતી.

મિઝોરમના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસે જોન એને જણાવ્યું હતું કે આ લોકોની સામે હત્યાના પ્રયાસ અને ગુનાઇત કાવતરા સહિત અન્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે સીમાંત નગરની પાસે મિઝોરમ અને આસામ પોલીસ દળની વચ્ચે થયેલી હિંસક ઝડપ પછી સોમવારે મોડી રાતે રાજ્ય પોલીસ દ્વારા વૈરેંગતે સ્ટેશનમાં FIR નોંધવામાં આવ્યા છે.

કોલાસિબના વૈરેંગતે પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એચ. લલછાવિમાવિયાએ આસામના મુખ્ય પ્રધાન હેમંત બિસ્વા સરમા, આસામના IG અનુરાગ અગ્રવાલ, DIG દિવોજ્યોતિ મુખરજી, કછારના DC કીર્તિ જલ્લી, કછારના ભૂતપૂર્વ SP વૈભવ ચંદ્રકાંત નિંબાલકર, ફોરેસ્ટ ઓફિસર સન્નીદેવ ચૌધરી, ઢોલાઈ પોલીસ સ્ટેશનના ઇનચાર્જ સહાબુદ્દીન અને આસામના 200 અજાણ્યા પોલીસ કર્મચારીઓ સામે કેસ નોંધ્યા છે. CM સહિત બધાને પહેલી ઓગસ્ટે પોલીસ સ્ટેશનમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.

આ પહેલાં આસામ પોલીસે મિઝોરમના છ અધિકારીઓને સમન્સ મોકલી ચૂકી છે. આ બધાને બીજી ઓગસ્ટે ઢોલાઈ પોલીસ સ્ટેશનમાં હાજર થવા કહેવામાં આવ્યું છે. મિઝોરમ પોલીસે 26 જુલાઈએ આસામના અધિકારીઓની ટીમ પર ફાયરિંગ કર્યું હતું, જેમાં આસામના પાંચ પોલીસ કર્મચારીઓ અને એક નાગરિકનાં મોત થયાં હતા. આ ઉપરાંત SP સહિત 50થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ અથડામણ પછી બંને રાજ્યોની સરહદે કેન્દ્રીય દળોને તહેનાત કરવામાં આવ્યા છે.