મુંબઈઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસને બ્લેકમેલ કરવા અને લાંચ આપવાનો કથિતપણે પ્રયાસ કરવા બદલ મહિલા અનિક્ષા જયસિંઘાની ગઈ કાલે ધરપકડ કરવામાં આવી હતી. આજે એનાં પિતા અનિલ જયસિંઘાનીને પોલીસે ગુજરાતમાંથી પકડ્યો છે. અનિલ શકમંદ બુકી છે. એની સામે પોલીસના ચોપડે 14-15 કેસ નોંધાયા છે.
અનિક્ષા અનિલ જયસિંઘાની વ્યવસાયે ફેશન ડિઝાઈનર છે. એક ક્રિમિનલ કેસમાં હસ્તક્ષેપ કરવા માટે એણે અમૃતા ફડણવીસને એક કરોડ રૂપિયાની લાંચ આપવાની કોશિશ કરી હોવાનો અને અમૃતાને ધમકી આપવાનો પણ એની પર આરોપ છે.
અનિલ જયસિંઘાની મુંબઈની પડોશના થાણે જિલ્લાના ઉલ્હાસનગરનો રહેવાસી છે. 2010માં એ નાના બુકી તરીકે જાણીતો હતો. સટ્ટાખોરી કરવાના ગુનાસર પોલીસે એની ધરપકડ પણ કરી હતી. એ મુંબઈના બ્લૂ બોય તરીકે જાણીતા એક પોલીસ અધિકારીનો નિકટનો સહયોગી હતો. તે અધિકારી કમિશનર બનતાં પોલીસ કમિશનર કાર્યાલયમાં અનિલની અવરજવર વધી ગઈ હતી. એટલું જ નહીં, 1995માં કોંગ્રેસ પાર્ટી વતી એ ઉલ્હાસનગર પાલિકા ચૂંટણી લડ્યો હતો. પરંતુ, બાદમાં 1997ની ચૂંટણીમાં એ હારી ગયો હતો. છેલ્લા 15 વર્ષથી અનિલ ફરાર રહીને ભૂગર્ભ પ્રવૃત્તિઓ દ્વારા વિવિધ ગુનાઓ કરતો રહ્યો છે.
કહેવાય છે કે અનિક્ષા જયસિંઘાનીએ અમૃતાને કહ્યું હતું કે તમે જાહેર કાર્યક્રમોમાં મારાં ડિઝાઈન કરેલાં વસ્ત્રો અને જ્વેલરી પહેરજો. એનાથી મારી બ્રાન્ડનું પ્રમોશન થશે. અમૃતા ફડણવીસ એ માટે તૈયાર થયાં હતાં. અમૃતાનો આરોપ છે કે અમુક સમય બાદ અનિક્ષાએ એનાં પિતા અનિલના એક ઓળખીતા સાથે મળીને મને ધમકી આપી હતી અને મારી વિરુદ્ધ એક ષડયંત્ર રચ્યું હતું. ફસામણી અને લાંચ આપવાના પ્રયત્નના કેસમાં અમૃતાએ ફરિયાદ કર્યાં બાદ અનિક્ષાની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં પોલીસને માલૂમ પડ્યું હતું કે અનિક્ષા કુખ્યાત બુકી અનિલની પુત્રી છે અને અનિલે જ આ પ્રકરણમાં એને મદદ કરી હતી. તેથી પોલીસ અનિલને પણ શોધતી હતી, પરંતુ એ ફરાર હતો. આખરે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓની એક ટૂકડીએ બાતમી મળ્યા બાદ ગુજરાતમાં જઈને ગઈ મોડી રાતે એને પકડ્યો હતો અને એને મુંબઈ લાવી છે.