હરિયાણામાં ભાજપને આંચકો; અપક્ષોના સાથ વડે સરકાર રચી શકે છે

ચંડીગઢ – હરિયાણા રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી માટે ગઈ કાલે થયેલી મતગણતરીમાં ભારતીય જનતા પાર્ટી સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે, પણ એ પોતાની તાકાત પર સત્તા પર પુનરાગમન કરી શકે એમ નથી.

90-સીટવાળી વિધાનસભામાં ભાજપને 40 બેઠકો મળી છે તો વિરોધ પક્ષ કોંગ્રેસને 30 સીટ મળી છે. નવી રચાયેલી જેજેપી (જનનાયક જનતા પાર્ટી)એ 10 સીટ મેળવી છે. આઈએનએલડી પાર્ટીનો એક ઉમેદવાર જીત્યો છે જ્યારે 8 અપક્ષ/અન્યો વિજયી થયા છે.

હરિયાણામાં ભાજપે જો ફરીથી સરકાર બનાવવી હોય તો એણે અપક્ષ વિધાનસભ્યો અથવા બીજી નાની પાર્ટીનો સાથ લેવો પડે એમ છે.

મનોહરલાલ ખટ્ટર

ભાજપના પ્રમુખ અમિત શાહે ગઈ કાલે મોડી રાતે દિલ્હીમાં પક્ષના મુખ્યાલય ખાતે પક્ષના અન્ય મોવડીઓ સાથે બેઠક યોજી હતી અને હરિયાણામાં સરકાર મામલે ચર્ચા કરી હતી. રાજ્યમાં સરકાર રચવા માટે કોઈ પણ પક્ષ કે પક્ષોના જોડાણ પાસે 45 સીટ હોવી જરૂરી છે. ભાજપે છ વિધાનસભ્યોનો ટેકો મેળવવો પડે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તો ગઈ કાલે દિલ્હીમાં પક્ષના કાર્યકર્તાઓને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ અને હરિયાણામાં મનોહરલાલ ખટ્ટર જ ફરી મુખ્ય પ્રધાન બનશે. મોદીએ આ બંને મુખ્ય પ્રધાનના ગત્ મુદત દરમિયાનના દેખાવની પ્રશંસા કરી હતી અને કહ્યું કે આ બંને નેતાના નેતૃત્ત્વમાં મહારાષ્ટ્ર અને હરિયાણા બીજા પાંચ વર્ષમાં વિકાસની નવી ઊંચાઈ હાંસલ કરશે એવો મને પૂરો વિશ્વાસ છે.

કોંગ્રેસ પાર્ટીએ હરિયાણામાં 30 સીટ જીતીને રાજ્યમાં જોરદાર રીતે કમબેક કર્યું છે. 2014ની ચૂંટણીમાં એણે 15 સીટ જીતી હતી.

કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભૂપિન્દર સિંહ હુડ્ડા

દુષ્યંત ચૌટાલાના નેતૃત્ત્વ હેઠળની જેજેપી પાર્ટી આ પહેલી જ વાર ચૂંટણી લડી છે.

મુખ્ય પ્રધાન ખટ્ટર કર્નાલ મતવિસ્તારમાંથી વિજયી થયા છે. તેઓ અપક્ષોના સમર્થન સાથે આજે મુખ્ય પ્રધાન તરીકેનો દાવો રજૂ કરી શપથ લે એવી ધારણા છે.

કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભૂપિન્દર સિંહ હુડ્ડાએ રોહતક જિલ્લામાં એમની પરંપરાગત બેઠક ગઢી સમ્પલા કિલોઈ જાળવી રાખી છે. તેઓ ત્યાંથી ફરી વિજયી થયા છે.