નવી દિલ્હીઃ પંજાબ વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ પક્ષો રાજકીય સોગઠાબાજી ગોઠવી રહ્યા છે. પંજાબના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહ કે જેમણે કોંગ્રેસમાંથી બહાર નીકળ્યા પછી પંજાબ લોક કોંગ્રેસ પક્ષની સ્થાપના કરી છે. તેમણે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં સીટોની વહેંચણી મુદ્દે ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાની સાથે બેઠક યોજી હતી. તેમણે પંજાબ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ સાથે ગઠબંધન કર્યું છે. આ બેઠકમાં પંજાબ ભાજપના પ્રભારી ગજેન્દ્ર સિંહ શેખાવત પણ હાજર રહ્યા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં પંજાબ ભાજપ અને નવા રચાયેલા ગઠબંધન માટે ચૂંટણી ઝુંબેશનો પ્રારંભ કરે એવી સંભાવના છે. તેઓ ફિરોઝપુરમાં ચૂંટણી સભાને સંબોધે એવી શક્યતા છે.
ભાજપ પહેલાં કહી ચૂક્યો છે કે પક્ષ કેપ્ટન અમરિન્દર સિંહની પાર્ટી અને અકાલી દળના ભૂતપૂર્વ નેતા સુખદેવ સિંહ ઢીંડસાના નવા ગઠબંધનની સાથે મળીને પંજાબ વિધાનસભાની ચૂંટણી લડશે. આ માટે ત્રણે પક્ષોએ બેઠકોની વહેંચણીને મુદ્દે ફોર્મ્યુલા નક્કી કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે, જેમાં ભાજપ મુખ્યત્વે શહેરી ક્ષેત્રોમાં ચૂંટણી લડે એવી સંભાવના છે.
ઢીંડસાએ પણ ભાજપના ટોચના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. ત્રણે પક્ષો એક સંયુક્ત ઘોષણાપત્ર જારી કરશે, જેમાં સરહદી વિસ્તારમાં રાજ્યની સુરક્ષા પર વિશેષ ભાર આપવામાં આવશે.
કેપ્ટન અમરિન્દર સિંહે ભાજપના વિવિધ નેતાઓ સાથે મળીને પંજાબ વિધાનસભાની ચૂંટણી માટે સંયુક્ત રીતે વ્યૂહરચના ઘડી કાઢી છે.