અલવરઃ વિકાસશીલ દેશમાં કેટલાક પાયાના પ્રશ્નો સરકાર અને સમાજે સુલઝાવવાના હોય છે તેમાં શિક્ષણ પણ એક મોટો મુદ્દો છે. ગ્રામીણ ભારત સહિત સરકારી શાળાઓ અને તેની ગુણવત્તા તથા સંસાધનો અંગે ખૂબ ગૌરવથી વાત કરીએ એવી સિદ્ધિ પ્રાપ્ત થઈ નથી પરંતુ એ દિશામાં ઘણેઠેકાણે પ્રયત્નો થતાં જોઇ શકાય છે. એવો એક પ્રયત્ન થયો છે આ શાળામાં. રાજસ્થાનના અલવર શહેરમાં એક ઉચ્ચ માધ્યમિક સરકારી શાળા રેલવે સ્ટેશન જેવી દેખાય છે. હકીકતમાં આ શાળાની દીવાલો ટ્રેનની જેમ બ્લ્યુ રંગથી રંગવામાં આવી છે. એટલું જ નહીં… આમાં બારીઓનો રંગ પણ ટ્રેન જેવો જ છે. આ શાળાના છાત્ર જ્યારે દરવાજા પર ઉભા હોય, ત્યારે લાગે છે કે યાત્રીઓ ટ્રેનના ડબ્બામાંથી જોઈ રહ્યાં છે.
ટ્રેનથી ઘણા વિદ્યાર્થીઓ શાળાએ જતાં હોય, તે વાત કોઈ નવી વાત નથી, પરંતુ ગણતરીના વિદ્યાર્થીઓ જ તેમાં ભણવાની મજા લઈ શકે છે. આ શાળાનું આખું નામ સરકારી ઉચ્ચ માધ્યમિક વિદ્યાલય, રેલવે સ્ટેશન છે, જે પૂર્ણ રીતે ટ્રેનના સ્વરુપ સાથે મેળ ખાય છે.
શાળાના પ્રિન્સિપાલ પુરુષોત્તમ ગુપ્તાએ કહ્યું કે શાળાનું નામ રેલવે સ્ટેશન પર રાખવામાં આવ્યું છે, તો એ વિચાર હતો કે આનો દેખાવ પણ એવો જ આપવામાં આવે. આ વિચાર સર્વ શિક્ષા અભિયાનના જિલ્લા એન્જિનિયરનો હતો.
પ્રિન્સિપલની ઓફિસને ટ્રેનના એન્જિન જેવી બનાવવામાં આવી છે. શાળાનો જે ઓટલો છે તેને પ્લેટફોર્મનું રુપ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ શાળાની દિવાલો પર પ્રેરણાદાયક પંક્તિઓ પણ લખવામાં આવી છે.
આ પ્રકારની ખાસ શાળાઓ તૈયાર કરવાનો ઉદ્દેશ્ય છે કે બાળકોને આના દ્વારા શાળા સુધી આવવા માટે પ્રેરિત કરવામાં આવે. પહેલા આ સ્કુલ શહેરના રેલવે સ્ટેશનથી માત્ર 50 મીટર દૂર હતી. પરંતુ કેટલાક વર્ષો પહેલા આ સ્કુલને અન્ય જગ્યાએ શિફ્ટ કરી દેવામાં આવી હતી. પરંતુ નામ ન બદલવામાં આવ્યું.