રાયપુરઃ છત્તીસગઢમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં દિલ્હીનાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી આમ આદમી પાર્ટી (આપ)એ સજ્જડ હાર ખમવી પડી છે. આપના 53 ઉમેદવારો ભારે અંતરથી ચૂંટણી હારી ગયા છે. આપ પાર્ટીએ રાજ્યમાં બીજી વાર નસીબ અજમાવ્યું હતું.
આ વિધાનસભાની ચૂંટણીમાં આપે 53 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 0.93 ટકા મત મળ્યા હતા, જ્યારે વર્ષ 2018માં આપે 85 બેઠકો પર ચૂંટણી લડી હતી અને એને 0.87 ટકા મતો મળ્યા હતા. વર્ષ 2018માં બધા ઉમેદવારોની જમાનત પણ જપ્ત થઈ હતી.
આપના 53 ઉમેદવારોમાંથી નવને નોટા કરતાં પણ ઓછા મત મળ્યા હતા. રાજ્યમાં પાર્ટીના પ્રવક્તા અભ્યતમ શુક્લાએ કહ્યું હતું કે ચૂંટણીમાં પાર્ટીનો હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ બસ્તર ક્ષેત્રમાં સારો દેકાવ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જે પાંચ સીટો પર અમારી પાર્ટીના ઉમેદવારોને 5000થી વધુ મતો મળ્યા હતા, એમાં ભાનુપ્રતાપપુર, અંતાગઢ અને દાંતેવાડા- બસ્તર વિસ્તારમાં આવેલા છે. તેમણે કહ્યું હતું કે ચૂંટણી પરિણામો વધુ આંચકાદાયક છે, કેમ કે ચૂંટણી સર્વે અને ટિપ્પણીકારોએ રાજ્યમાં કોંગ્રેસની જીતની ભવિષ્યવાણી કરી હતી. અમે કેટલીક સીટો પર સારો દેખાવની અપેક્ષા કરી રહ્યા હતા, પણ એવું થઈ ના શક્યું.