નવી દિલ્હીઃ દેશમાં 62 દિવસો પછી 25 મેથી સ્થાનિક ફ્લાઇટ્સનો પ્રારંભ થશે, એમ નાગરિક ઉડ્ડયનપ્રધાન હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે બધાં એરપોર્ટ્સ અને એરલાઇન્સ કંપનીઓને 25 મેથી કામગીરી શરૂ કરવા જણાવવામાં આવ્યું છે. દેશમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટસ 23 માર્ચથી અને સ્થાનિક ફ્લાઇટ્સ 25 માર્ચથી બંધ છે. પુરીએ કહ્યું છે કે મંત્રાલય યાત્રીઓ માટે આવાગમન માટે અલગથી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જારી કરશે.
જોકે આ પહેલાં 12 મેએ મંત્રાલયે SOPનો ડ્રાફ્ટ જારી કર્યો હતો. ઉડ્ડયન મંત્રાલયે પાછલા દિવસોમાં કંપનીઓને ટિકિટોનાં બુકિંગ નહીં કરવા માટે કહેવામાં આવ્યું હતું. લોકડાઉન 4.0માં સ્થાનિક ફ્લાઇટો પર પ્રતિબંધ જારી રહેશે. દેશમાં દરેક મહિને સરેરાશ 1.3 કરોડ અને વાર્ષિક 14 કરોડ યાત્રીઓ સ્થાનિક ફ્લાઇટ્સમાં સફર કરે છે. 2019માં આશરે સાત કરોડ લોકોએ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં સફર કરી હતી.
એક સપ્તાહ પહેલાં જારી કરવામાં આવ્યો SOP ડ્રાફ્ટ
- 12 મેએ બધી એરલાઇન્સ અને એરપોર્ટ ઓપરેટરો માટે SOP ડ્રાફ્ટ મુજબ કેન્દ્રએ એરલાઇન્સોને કહ્યું છે કે ફ્લાઇટ્સ શરૂ થતાં પહેલા તબક્કામાં 80 વર્ષથી ઉપરની વ્યક્તિને યાત્રાની મંજૂરી ના આપવામાં આવે.
- કેબિનમાં બેગ લઈ જવાની મંજૂરી નહીં આપવામાં આવે. જો કોઈ યાત્રી અથવા કર્મચારીમાં સંક્રમણના કોઈ લક્ષણ દેખાયાં તો તે વ્યક્તિને એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગમાં દાખલ થવાની મંજૂરી નહીં આપવામાં આવે.
- યાત્રી પોતાની સાથે એક 20 કિલોની બેગ લઈ જઈ શકે.
- યાત્રીઓને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી અનિવાર્ય છે. આ એપમાં ગ્રીન સિગ્નલ મળવા પર જ યાત્રા કરવાની મંજૂરી આપવામાં આવશે.
- ફ્લાઇટમાં સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું પડશે.
- લાઇન લગાવતા સમયે બે ગજની દૂરી રાખવી પડશે.
- ડ્યૂટીમાં લાગેલા કર્મચારીઓને PPE કિટ પહેરવી પડશે.
- યાત્રીઓએ માસ્ક, ગ્લવ્ઝ, જૂતાં PPE કિટ વગેરે પહેરવી પડશે.
- યાત્રાના સમયના બે કલાક પહેલાં એરપોર્ટ પર પહોંચવું પડશે.
- ફ્લાઇટમાં આગળની ત્રણ સીટ મેડિકલ ઇમર્જન્સીવાળા યાત્રીઓ માટે ખાલી રાખવી પડશે.
|