એરઈન્ડિયા વિવિધ-દેશોમાંથી 10,636 ફિલિપ્સ ઓક્સિજન-કોન્સન્ટ્રેટર્સ એરલિફ્ટ કરશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય મુલ્કી ઉડ્ડયન ખાતાના પ્રધાન હરદીપસિંહ પુરીએ જણાવ્યું છે કે ફિલિપ્સ કંપનીએ જુદા જુદા દેશોમાં બનાવેલા 10,636 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીનોને એર ઈન્ડિયા એરલિફ્ટ કરી રહી છે.

પુરીએ વધુમાં જણાવ્યું છે કે અમેરિકામાંથી 636 કોન્સન્ટ્રેટર્સ ભારતમાં લાવી ચૂકાયા છે. દરરોજ કન્સાઈનમેન્ટ્સ વિદેશમાંથી ભારતમાં લાવવામાં આવી રહ્યા છે. આખી કામગીરી આ જ અઠવાડિયામાં પૂરી થઈ જશે. હરદીપસિંહ પુરીએ આ સમાચારને ટ્વીટ કરીને જણાવ્યા છે અને એની સાથે એમણે એક કોલાજ ચિત્ર પણ શેર કર્યું છે. એ દ્વારા તેમણે એર ઈન્ડિયાની સરખામણી ભગવાન હનુમાન સાથે કરી છે. તેઓ એમ જણાવવા માગે છે કે જેમ હનુમાનજી સંજીવની જડીબુટ્ટીની શોધમાં આખો દ્રોણાગિરિ પર્વત ઉપાડીને ભગવાન શ્રીરામ પાસે લઈ આવ્યા હતા એ રીતે, એર ઈન્ડિયા પણ હજારો ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીનો વિદેશમાંથી ભારત લાવી રહી છે.

ફિલિપ્સ કંપનીએ પણ તેના ટ્વિટર હેન્ડલ પર આ સમાચારને શેર કર્યા છે અને લખ્યું છે કે ભારત સરકાર સાથેની ભાગીદારીના ભાગરૂપે અમે 10 હજારથી વધારે ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીનો ભારતમાં મોકલી રહ્યા છીએ. કોવિડ સામેના જંગમાં ભારતને મદદરૂપ થવા અમે પ્રતિબદ્ધ છીએ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]