એર-ઈન્ડિયાની ફ્લાઈટ્સને ‘ટાટા ગ્રુપ’નું બેનર આજથી નહીં

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારની માલિકીની અને તેના દ્વારા સંચાલિત રાષ્ટ્રીય એરલાઈન એર ઈન્ડિયાને હવે ટાટા ગ્રુપે ખરીદી લીધી છે. સરકાર એર ઈન્ડિયાનો સંપૂર્ણ હવાલો ટાટા ગ્રુપને આજથી સુપરત કરી દે એવી ધારણા છે. ટાટા ગ્રુપે મુંબઈથી સંચાલિત તેની ચાર ફ્લાઈટ્સમાં ‘વિશેષ ભોજન સેવા’ પૂરી પાડવાની છે. આ ફ્લાઈટ્સ છેઃ મુંબઈ-દિલ્હી AI864, મુંબઈ-દિલ્હી AI687, મુંબઈ-અબુધાબી AI945 અને મુંબઈ-બેંગલુરુ AI639. જોકે એક સરકારી અધિકારીએ કહ્યું છે કે આજથી એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ ટાટા ગ્રુપના બેનર હેઠળ ઉડવાનું શરૂ નહીં થાય. ફ્લાઈટ્સને ટાટા ગ્રુપના બેનર હેઠળ ક્યારથી ફ્લાઈ કરવી તેની નવી તારીખ કર્મચારીઓને બાદમાં જણાવવામાં આવશે.

ટાટા ગ્રુપે એર ઈન્ડિયાની સ્થાપના કર્યાના 69 વર્ષ બાદ ભારત સરકાર પાસેથી એનો કબજો ફરી મેળવ્યો છે. ટાટા ગ્રુપની પેટા-કંપની ટેલેસ પ્રાઈવેટ લિમિટેડે ગયા વર્ષની 8 ઓક્ટોબરે સ્પર્ધાત્મક હરાજી પ્રક્રિયા અંતર્ગત રૂ. 18,000 કરોડમાં એર ઈન્ડિયાને હસ્તગત કરી હતી.