સરકારના હસ્તક્ષેપ બાદ વિમાનભાડા 61% સુધી ઘટી ગયાઃ સિંધિયા

નવી દિલ્હીઃ મુલ્કી ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું છે કે દિલ્હીથી ચોક્કસ રૂટ પરના વિમાનભાડામાં 14થી 61 ટકા સુધી ઘટાડો કરવામાં આવ્યો છે. ગઈ 6 જૂને એરલાઈન્સના સલાહકાર ગ્રુપની બેઠક મળ્યા બાદ આમ થયું છે. વિમાનભાડા ઘટાડવામાં આવે એ માટે નિયામક એજન્સી ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) અને મુલ્કી ઉડ્ડયન મંત્રાલયના પ્રયાસો રહ્યા છે. દિલ્હીથી શ્રીનગર, લેહ, પુણે અને મુંબઈ જેવા સ્થાનો માટેની ફ્લાઈટ્સના ભાડામાં જે ઘટાડો કરવામાં આવ્યો છે તેનાથી અમને સંતોષ થયો છે, એમ પણ સિંધિયાએ કહ્યું.

સિંધિયાએ કહ્યું કે, વિમાનભાડા નક્કી કરવાની એરલાઈન કંપનીઓને સત્તા આપવામાં આવી છે. એ માટે માર્કેટની ગતિશીલતા અને મોસમ સહિત વિવિધ કારણોને ધ્યાનમાં રાખવામાં આવે છે. વિમાનસેવા ઉદ્યોગ ભાડા અંગેના નિર્ણયો લેવા માટે એક ગણિત (ગણતરી)ને અનુસરે છે. આપણા દેશમાં એવિએશન માર્કેટ મોસમ આધારિત હોય છે. એરલાઈન્સને માર્કેટ દ્વારા અંકુશિત વિમાનભાડા નક્કી કરવાના અધિકાર આપવામાં આવ્યા છે. જો ક્ષમતા ઓછી હોય અને માગ ઊંચી હોય અને મૂળ ખર્ચમાં ઘટાડો થયો ન હોય તો ભાડા ઊંચા રહેશે. ખાનગી એરલાઈન કંપનીઓની પોતાની સામાજિક જવાબદારી હોય છે અને તમામ સેક્ટરો માટે વિમાનભાડા વધારતી વખતે એક મર્યાદા રાખવી જોઈએ.