તૃણમૂલની જીત પછી ભાજપમાંથી ઊલટો પ્રવાહ શરૂ

કોલકાતાઃ રાજ્યમાં ચૂંટણીના પહેલાંઓના મહિનાઓમાં પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીની સામે સૌથી મોટો પડકાર એક એ હતો કે તેમની પાર્ટીમાંના નેતાઓને ભાજપમાં ભારે પલાયનને થતું રોકવાનો, પરંતુ બીજી મેએ મમતા બેનરજીએ મોટી જીત હાંસલ કરીને સૌને ચોંકાવ્યા હતા. તૃણમૂલ કોંગ્રેસે 292 વિધાનસભાની સીટોમાંથી 213 પર જીત હાંસલ કરી હતી. જ્યારે ભાજપને 77 સીટો મળી હતી, પણ હવે ભાજપમાંથી તૃણમૂલ કોંગ્રેસમાં રિવર્સ માઇગ્રેશન શરૂ થયું છે.

સોનાલી ગુહા, સરલા મુર્મુ, અમલ આચાર્ય અને બચ્ચુ હાંસદા પછી હવે ભૂતપૂર્વ ફૂટબોલર દીપેન્દુ વિશ્વાસે તૃણમૂલ કોંગ્રેસમાં પરત ફરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તેમણે આ બાબતે મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસ સુપ્રીમો મમતા બેનરજીને પત્ર લખીને કહ્યું છે કે –મેં અભિમાનમાં આવીને ભૂલથી ભાજપમાં જવાનો નિર્ણય લીધો હતો, એના માટે હું માફી માગું છું. હું તમારા સૈનિક તરીકે કામ કરવા ઇચ્છું છું. મેં મારા પરિવારથી વાત કરીને આ નિર્ણય લીધો છે. દીપેન્દુએ તૃણમૂલના રાષ્ટ્રીય અધ્યક્ષ સુબ્રત બક્ષીને હાથોમાં ફરીથી પાર્ટીનો ઝંડો પકડવાની ઇચ્છા જાહેર કરી છે. જોકે તૃણમૂલ દ્વારા અત્યાર સુધી આના પર કોઈ પ્રતિક્રિયા જાહેર નથી થઈ.

વિધાનસભાની ચૂંટણી પહેલાં મમતાની સરકારમાં પ્રધાન રહેલા રાજીવ બેનરજીની વાપસીની પણ ચર્ચા છે. તૃણમૂલના પ્રવક્તા કુણાલ ઘોષે જણાવ્યું હતું કે માત્ર નેતાઓ જ નહીં, સાતથી આઠ જીતનારા વિધાનસભ્યો અને ભાજપના ત્રણ-ચાર હાલના સંસદસભ્યોએ તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ હોવાની ઇચ્છા વ્યક્ત કરી છે. જોકે પાર્ટીએ આ વિશે કોઈ નિર્ણય કર્યો નથી.