શિમલા પછી મંડીમાં મસ્જિદ પર ઘમસાણ

મંડીઃ શિમલામાં પ્રદર્શન પછી હવે મંડીમાં પણ હિન્દુ સંગઠનો પ્રદર્શન માટે રસ્તા પર ઊતરી આવ્યા છે. જોકે મંડીમાં ગેરકાયદે મસ્જિદને સીલ કરવાનો આદેશ ડેપ્યુટી કમિશનરે આપ્યો છે. આ વિસ્તારમાં મસ્જિદને લઈને ઘણો વિવાદ થઈ રહ્યો છે.

વાસ્તવમાં અનેક હિન્દુ સંગઠનો રસ્તા પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. ભીડને કાબૂમાં કરવા માટે પોલીસે બળપ્રયોગ પણ કરવો પડ્યો હતો. વોટર કેનન દ્વારા પણ પાણીનો મારો કરવામાં આવ્યો હતો, પણ વિવાદ વધતાં જિલ્લા કલેક્ટરે મસ્જિદને સીલ કરવાનો નિર્ણય આપ્યો હતો.

રાજ્યના CM સુખવિન્દર સિંહ સુખુએ ઓલ પાર્ટી મીટિંગ પણ કરી છે. તેમણે એ પત્રકાર પરિષદમાં બધા લોકોને શાંતિ વ્યવસ્થા જાળવી રાખવા અપીલ કરી હતી. શિમલા વિવાદનો પણ કાનૂની હલ શોધી કાઢવામાં આવશે. રાજ્યમાં ક્યાંય પણ ગેરકાયદે બાંધકામ હશે તો એના પર કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કમિટી બનાવવાની વાત પણ કહી હતી. રાજ્યમાં આ વિવાદથી પર્યટનને પણ પ્રતિકૂળ અસર પડી છે, એમ તેમણે કહ્યું હતું.

મંડીનો વિવાદ શું છે?

મંડીના જેલ રોડ પર બનેલી મસ્જિદની એક દીવાલને PWD અને મસ્જિદના લોકોએ પાડી દીધી હતી. મસ્જિદની દીવાલ અને રૂમોનો ગેરકાયદે હિસ્સો પોલીસની હાજરીમાં તોડી પાડવામાં આવી હતી. આરોપ છે કે મસ્જિદની દીવાલ PWDની જમીન પર બનાવવામાં આવી હતી અને એ વિસ્તારના લોકો એનો વિરોધ કરી રહ્યા હતા. આ મસ્જિદનો કેસ મંડી નગર કમિશનરના કોર્ટમાં ચાલી રહ્યો હતો. જોકે નગર નિગમ કોર્ટના ચુકાદા પહેલાં મસ્જિદની દીવાલને તોડવામાં આવી એ મસ્જિદમાં ગેરકાયદે બાંધકામ થયું હતું એનો પુરાવો છે.