મોગલોના સમયથી બંધ હતી આ જગ્યાઓ, યોગીએ જનતા માટે ખોલાવી

લખનૌઃ  ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે અહીંયા યમુના નદી પર સ્થિત કિલ્લામાં 450 વર્ષથી બંધ અક્ષય વટ અને સરસ્વતી કૂપ સામાન્ય જનતા માટે ખુલ્લા મૂક્યા છે. મેલા ક્ષેત્રમાં બનેલા મીડિયા સેન્ટરનું ઉદઘાટન કર્યા બાદ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતીના આ ત્રિવેણી સંગમમાં દેશ-દુનિયાથી કોટિ-કોટિ શ્રદ્ધાળુઓ આવે છે. આસ્થાનું સન્માન કરવાના પ્રયાસમાં વડાપ્રધાનની પ્રેરણાથી 450 વર્ષ બાદ હવે શ્રદ્ધાળુઓને અક્ષયવટના દર્શનનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.

યોગીએ જણાવ્યું કે અક્ષયવટ સુધી દરેક શ્રદ્ધાળુ જઈ શકે અને આના દર્શન કરવાની સાથે જ સરસ્વતી કૂપ અને માં સરસ્વતીની ભવ્ય પ્રતિમાના પણ દર્શન કરી શકશે. યોગીએ જણાવ્યું કે 17 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રયાગરાજ આવશે અને મહર્ષિ ભારદ્વાજની સ્મૃતિમાં બનેલા ઉદ્યાનમાં લગાવવામાં આવેલી તેમની પ્રતિમાનું અનાવરણ કરશે.

યોગીએ જણાવ્યું કે દેશ-વિદેશથી આવનારા પર્યટકો માટે પ્રથમવાર 1200 થી વધારે પ્રીમિયમ કોટેજ ટેન્ટ સિટીનો વિકાસ કરવામાં આવ્યો છે. તો વિદેશ મંત્રાલય પાસેથી મળેલી જાણકારીમાં કહેવાયું છે કે કુંભ મેળો અને ગણતંત્ર દિવસ સમારોહને જોતા 15મું પ્રવાસી ભારતીય દિવસ સમ્મેલન 9 જાન્યુઆરીની જગ્યાએ 21 થી 23 જાન્યુઆરી 2019 સુધી વારાણસીમાં આયોજિત કરવામાં આવી રહ્યું છે. આમાં કહેવાયું છે કે આ સમ્મેલન બાદ પ્રવાસીઓને 24 જાન્યુઆરી 2019ના રોજ કુંભ મેળા માટે પ્રયાગરાજ જવા અને 26 જાન્યુઆરી 2019ના રોજ દિલ્હીમાં ગણતંત્ર દિવસ પરેડના સાક્ષી થવાનો અવસર આપવામાં આવશે.

કુંભ મેળા દરમિયાન અતિ વિશિષ્ટ લોકોના આગમનથી સામાન્ય લોકોને અસુવિધા મામલે જ્યારે યોગી આદિત્યનાથને પ્રશ્ન પુછવામાં આવ્યો તો તેમણે જણાવ્યું કે છ પ્રમુખ સ્થાન પર્વો પર કોઈપણ વીવીઆઈપીને અહીંયા પ્રયાગરાજમાં કોઈપણ પ્રોટોકોલ નહી મળે. મુખ્યપ્રધાને આનાથી પૂર્વ ખુશરોબાગમાં પુનરુદ્ધાર કાર્યોનું ઉદ્ઘાટન કર્યું અને અન્ય એક કાર્યક્રમમાં સ્વચ્છાગ્રહિઓને સન્માનિત કરીને તેમને કિટનું પણ વિતરણ કર્યું.