ઉદ્યોગપતિ રતન ટાટાને ધમકી આપનાર આરોપીની ધરપકડ

મુંબઈઃ દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ અને ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાને જાનથી મારી નાખવાની ધમકી આપનાર વ્યક્તિની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે બેનામી કોલ કરનાર વ્યક્તિ સ્કિઝોફ્રેનિયાથી પીડિત હતો.

અહેવાલો અનુસાર મુંબઈ પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે ફોન કરનારે પોલીસને રતન ટાટાની સુરક્ષા વધારવા સાથે તેણે ચેતવણી આપી હતી કે ઔદ્યોગિક દિગ્ગજ ટાટાના હાલ ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રી જેવા જ થશે. સાયરસ મિસ્ત્રીનું 4 સપ્ટેમ્બર, 2022એ એક કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. કોલ મળતાની સાથે જ મુંબઈ પોલીસ ફુલ એક્શન મોડમાં આવી ગઈ હતી અને એક ખાસ ટીમને રતન ટાટાની અંગત સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી હતી, જ્યારે બીજી ટીમને કોલ કરનાર વિશે માહિતી એકત્રિત કરવા માટે કહેવામાં આવ્યું હતું. પોલીસે કહ્યું હતું કે તેમણે ટેક્નિકલ સપોર્ટ અને ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડરની મદદથી કોલ કરનારને શોધી કાઢ્યો હતો.

પોલીસે જણાવ્યું કે, ધમકીભર્યા કોલ કરનાર વ્યક્તિનું લોકેશન કર્ણાટકમાં હોવાનું જાણવા મળ્યું છે. તે પુણેનો રહેવાસી હતો. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, તેણે મુંબઈ પોલીસના કંટ્રોલ રૂમને ફોન કરીને રતન ટાટાને ધમકી આપી હતી. અધિકારીએ કહ્યું કે, ફોન કરનાર સ્કિઝોફ્રેનિયાથી પીડિત હોવાથી પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી ન કરવાનો નિર્ણય લીધો. પોલીસ અધિકારીઓએ પરિવારજનોની પૂછપરછ કર્યા બાદ જણાવ્યું કે ફોન કરનારે ફાઇનાન્સમાં MBA કર્યું છે અને એન્જિનિયરિંગનો અભ્યાસ પણ કર્યો છે.