પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીમાં મળેલી સજ્જડ હારના ચાર દિવસ પછી જન સુરાજ પાર્ટીના સંસ્થાપક પ્રશાંત કિશોર (PK)એ પટનામાં પ્રેસ કોન્ફરન્સ કરીને માત્ર પોતાની હાર સ્વીકારી નહીં, પરંતુ NDA સરકાર પર ચૂંટણી જીતવા માટે રૂ. 29,000 કરોડ સુધી વહેંચવાના ગંભીર આક્ષેપ પણ કર્યા હતા. એ સાથે જ તેમણે CM નીતીશકુમાર સામે નવી શરત મૂકી છે. જો સરકાર છ મહિનામાં 1.5 કરોડ મહિલાઓને રૂ. 2-2 લાખ આપવાનું વચન પૂરું નહીં કરે, તો તેઓ રાજકારણ છોડી દેશે.
તેમણે સ્વીકાર્યું હતું કે જન સુરાજનો ઈમાનદાર પ્રયાસ સફળ ન થઈ શક્યો. તેમણે કહ્યું હતું કે બિહાર ચૂંટણીમાં જન સુરાજની હારની 100 ટકા જવાબદારી હું જ લઉં છું. તેમણે સ્વીકાર્યું હતું કે તેઓ ‘વ્યવસ્થા પરિવર્તન’ તો દૂર, ‘સત્તા પરિવર્તન’ પણ નહીં કરી શક્યા. આ નિષ્ફળતા બદલ માફી માગતા તેમણે જાહેર કર્યું હતું કે તેઓ બે દિવસ બાદ આશ્રમમાં એક દિવસનો મૌન ઉપવાસ રાખશે, જેને તેમણે ‘પ્રાયશ્ચિત’ તરીકે બતાવ્યું. તેમણે કહ્યું, ભૂલ અમારી તરફથી થઈ હશે, પરંતુ અમે કોઈ ગુનો કર્યો નથી.
હું બધા પાસે માફી માગું છું
પ્રશાંત કિશોરે હાર સ્વીકારતાં કહ્યું હતું કે બધાની આશાઓ અને સપનાંઓ પર ઊતરવામાં હું નિષ્ફળ રહ્યો. તેની આખી જવાબદારી મારી છે. હું તમારા બધા પાસે માફી માગું છું.

જન સુરાજના 98 ટકા ઉમેદવારોની જમાનત જપ્ત
જન સુરાજ પાર્ટીએ બિહારની 243માંથી 238 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા હતા. તેમાંના 233 ઉમેદવારો (અથવા 98 ટકા)ની જમાનત જપ્ત થઈ ગઈ હતી. પાર્ટીને બિહાર ચૂંટણીમાં આશરે 2 ટકા મત મળ્યા હતા.


