આધાર કાર્ડ પર ફોટો બદલવો છે? આ રહ્યું માર્ગદર્શન

મુંબઈઃ આધાર કાર્ડ આજે ભારતમાં નાગરિક માટે સૌથી મહત્ત્વના ઓળખ દસ્તાવેજોમાંનું એક છે. માત્ર સરકારી યોજનાઓ માટે જ નહીં, પરંતુ નાણાકીય સેવાઓ મેળવવા માટે પણ વ્યક્તિ પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે. આધાર કાર્ડના નંબરને બેન્ક એકાઉન્ટ્સ, વાહનોના રજિસ્ટ્રેશન તથા વીમા પોલિસીઓ વગેરે સાથે જોડવામાં આવે છે. આધાર કાર્ડમાં વ્યક્તિનું નામ, જન્મતારીખ, જાતિ, રહેઠાણનું સરનામું તથા એનો ફોટોગ્રાફ હોય છે. ઘણાં લોકોએ આધાર કાર્ડ વર્ષો પહેલાં બનાવ્યું હશે. એને કારણે કાર્ડ પર ડિસ્પ્લે કરાયેલો વ્યક્તિનો ફોટો બહુ જૂનો પણ થઈ ગયો હશે. કોઈક ફોટો તો એટલો બધો ખરાબ થઈ ગયો હોય છે કે વ્યક્તિ ઓળખાય જ નહીં. જો આધાર કાર્ડ પરનો ફોટો બદલવો હોય તો આ રહ્યું માર્ગદર્શન. અમુક આસાન સ્ટેપ્સ દ્વારા એ બદલી શકાય છે.

આ પ્રક્રિયા સહેલી છે અને એ માટે કોઈ દસ્તાવેજ સુપરત કરવા પડતા નથી.

સ્ટેપ 1: આધાર કાર્ડ માટેની સત્તાવાર વેબસાઈટ (UIDAI) પર જાવ.

સ્ટેપ 2: તમારા આધાર કાર્ડ પરનો ફોટો બદલવા માટેનું ફોર્મ ભરો.

સ્ટેપ 3: તે ફોર્મ આધાર ઇનરોલમેન્ટ એક્ઝિક્યૂટિવને સુપરત કરો.

સ્ટેપ 4: તમારો ફોટોગ્રાફ બદલાવવા માટે તમારે તમારા વિસ્તારમાં આવેલા આધાર ઇનરોલમેન્ટ સેન્ટરમાં જવું પડશે.

સ્ટેપ 5: એ માટે તમારે જરૂરી ફી ચૂકવવાની રહેશે.

સ્ટેપ 6: આધાર ઇનરોલમેન્ટ સેન્ટરમાં તે વિભાગના અધિકારી તમારો નવો ફોટો ક્લિક કરશે અને તેને તમારા આધાર કાર્ડ પર અપલોડ કરી દેશે.

સ્ટેપ 7: આધાર ઇનરોલમેન્ટ એક્ઝિક્યૂટિવ તમને એક્નૉલેજમેન્ટ (સ્વીકૃતિ) સ્લિપ આપશે જેમાં અપડેટ રિક્વેસ્ટ નંબર (URN) હશે.

સ્ટેપ 8: તે URN વડે તમે UIDAIની સત્તાવાર વેબસાઈટ આધાર અપડેટ સ્ટેટસ ઓનલાઈન ચેક કરી શકશો.