‘ભારત માતા કી જય’ના સૂત્રોચ્ચાર સાથે મોદીનું ભવ્ય સ્વાગત

દુબઈઃ વડા પ્રધાન મોદી 28મી કોન્ફરન્સ ઓફ પાર્ટી (COP28) શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ગુરુવારે રાત્રે દુબઈ પહોંચ્યા હતા. તેઓ પહેલી ડિસેમ્બરે થનારી COP28ની વર્લ્ડ ક્લાયમેટ એક્શન શિખર સંમેલનમાં ભાગ લેશે.

વડા પ્રધાન મોદી દુબઈ એરપોર્ટ ઊતર્યા અને એક હોટેલની બહાર તેમની રાહ જોઈ રહેલા ભારતીય પ્રવાસીઓએ ‘સારે જહાં સે અચ્છા ગાયું’ અને ‘ભારત માતા કી જય’ સાથે-સાથે ‘વંદે માતરમ’નો સૂત્રોચ્યાર કર્યો હતો. દુબઈ પહોંચ્યા પછી વડા પ્રધાને સોશિયલ મિડિયા X પર કહ્યું હતું કે તેઓ શિખર સંમેલનની કાર્યવાહીની રાહ જોઈ રહ્યા છે, જેનો ઉદ્દેશ એક સારી પ્લેનેટ બનાવવાનો છે. દુબઈમાં વડા પ્રધાન મોદીના સ્વાગત માટે ભારતીય સમુદાયમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

એક વિડિયોમાં પ્રવાસી ભારતીયો ‘મોદી-મોદી,’ ‘અબ કી બાર મોદી સરકાર,’ ‘અબ કી બાર 400 પાર’ અને ‘વંદે માતરમ’ જેવાં સૂત્રો લગાવતાં સાંભળી શકાય છે. એક અન્ય વિડિયોમાં વડા પ્રધાન મોદીના સભ્યોથી હાથ મિલાવતા અને વાતચીત કરતા જોઈ શકાય છે.

પ્રવાસી ભારતીયોમાંથી એકે વડા પ્રધાન મોદી સાથે મુલાકા પર આનંદ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે હું 20 વર્ષથી UAEમાં રહી રહ્યો છું, પરંતુ આજે મારું કોઈ પોતાનું આ દેશમાં આવ્યું હોય એવું લાગે છે. વિશ્વમાં ભારતની શાન વધારનારા હીરો જ ભારતનો હીરો છે.એક અન્ય ભારતીયએ કહ્યું હતું કે અમે વડા પ્રધાન મોદીને અહીં જોઈને ઘણા ખુશ છીએ. વિશ્વને PM મોદી જેવા નેતાની જરૂર છે.

વડા પ્રધાન મોદી UAEમાં વર્લ્ડ ક્લાયમેટ એક્શન શિખર સંમેલનના ઉદઘાટન સેશનને સંબોધિત કરશે અને ત્રણ ઉચ્ચ સ્તરીય કાર્યક્રમોમાં ભાગ લેશે, જેમાંથી બેની સહ-યજમાની ભારત દ્વારા કરવામાં આવશે.