કેદારનાથ ધામમાં તાંબાથી બનેલા ‘ઓમ’ની આકૃતિ સ્થાપિત થશે

રુદ્રપ્રયાગઃ ઉત્તરાખંડમાં બાબા કેદારનાથ ધામની ભવ્યતાને હવે વધુ વધારવા માટે ધામના ગોળ પ્લાઝામાં ઓમની આકૃતિ સ્થાપિત કરવામાં આવશે. આ આકૃતિનું વજન 60 ક્વિન્ટલ હશે, જેને તાંબામાંથી બનાવવામાં આવશે. આ આકૃતિ ધામમાં સ્થાપિત કરવા માટે જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા ટ્રાયલ સફળતાપૂર્વક કરવામાં આવી છે. આ ઓમને જલદીમાં જલદી સ્થાયી રીતે સ્થાપિત કરવામાં આવશે. કેદારનાથ ધામમાં લગનારી આ 60 ક્વિન્ટલ ઓમની આકૃતિને ગુજરાતના કલાકારોએ તાંબાથી બનાવી છે. આ ધામમાં સ્થાપિત કરવા માટે તાંબાથી વેલ્ડિંગ કરવામાં આવશે, જેથી ધામમાં આવતી કોઈ પણ દુર્ઘટનાની એના પર અસર ના થાય. પહેલા તબક્કામાં જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને PWDએ હાઇડ્રો મશીનની મદદથી ગોળ પ્લાઝામાં ઓમની આકૃતિને સ્થાપિત કરવા માટે ટ્રાયલ લીધી હતી, જે સફળ રહી હતી.

ઓમની આકૃતિને સ્થાપિત કરવા માટે એક વિડિયો પણ શેર કર્યો હતો, જેમાં ઓમને દોરી અને જેસીબીની મદદથી સ્થાપિત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કેટલાય લોકો પણ આ કાર્યમાં લાગેલા છે. ઓમને સ્થાપિત કર્યા પછી એના પર લાઇટિંગ પણ કરવામાં આવશે, જેથી રાત્રિના સમયે એ વધુ ભવ્ય રીતે દેખાય.

ઓમની આકૃતિને સંપૂર્ણ રીતે સુરક્ષિત કરવામાં આવશે. એની સાથે એ સ્નોફોલ અને કોઈ દુર્ઘટના વખતે ક્ષતિગ્રસ્ત ના થઈ શકે, એમ EE વિનય ઝિકવાંએ જણાવ્યું હતું. રુદ્રપ્રયાગના જિલ્લાધિકારી મયૂર દીક્ષિતે કહ્યું હતું કે ઓમની આકૃતિ સ્થાપિત થવાથી કેદારનાથ ગોળ પ્લાઝાની ભવ્યતા વધુ વધી જશે. ઓમ આકૃતિને સ્થાપિત કરવા માટે DDMA દ્વારા આવશ્યક કાર્યવાહી પૂરી કરવામાં આવી રહી છે.