નવી દિલ્હીઃ વૈશ્વિક કોરોના વાઇરસની સામે નાગરિકોને રક્ષણ પૂરું પાડવા માટે ભારતમાં બે રસી તૈયાર કરવામાં આવી છે. જેમાં એક સ્વદેશી કો-વેક્સિન છે, જેને હૈદરાબાદની ભારત બાયોટેક કંપનીએ બનાવી છે. જ્યારે બીજી રસી કોવિશીલ્ડ છે જેને ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનિકા અને ભારતની સીરમ ઇન્સ્ટિટ્યૂટે સાથે મળીને બનાવી છે. અત્યાર સુધી આ બંને કોરોના રસીને દુનિયાભરના 96 દેશે માન્યતા આપી છે.
ભારત સરકાર વિશ્વના બાકીના દેશો સાથે આ મુદ્દે મંત્રણા કરી રહી છે, જેથી વિશ્વની સૌથી મોટા કોરોના રસીકરણના કાર્યક્રમના લાભાર્થીનો વિશ્વમાં સ્વીકાર થાય અને માન્યતા મળે, એમ કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએ મંગળવારે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે WHOએ અત્યાર સુધી આઠ કોરોનાની રસીને માન્યતા આપી છે. એ ગર્વની વાત છે કે એ આઠ રસીમાં બે રસી ભારતની છે.
તેમણે જણાવ્યું હતું કે રસીના સર્ટિફિકેટને પરસ્પર માન્ય ગણવાથી શિક્ષણ, બિઝનેસ અને ટુરિઝમના હેતુ સાથેનો પ્રવાસ સરળ બનશે. આ દેશોમાંથી પ્રવાસ કરતી વ્યક્તિઓને આગમન સમયે કેટલીક છૂટછાટ મળશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે 20 ઓક્ટોબર, 2021એ આંતરરાષ્ટ્રીય ટ્રાવેલર માટે જારી કરેલી ગાઇડલાઇન મુજબ આ છૂટછાટ મળશે. વિદેશમાં પ્રવાસની યોજના ધરાવતા વ્યક્તિઓ કોવિન પોર્ટલ પરથી ઇન્ટરનેશનલ ટ્રાવેલ વેક્સિનેશન સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકે છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
કોરોના રસીકરણના સર્ટિફિકેટને માન્ય ગણવા સંમત થયા છે તેવા દેશોમાં અમેરિકા, બ્રિટન, કેનેડા, ફ્રાન્સ, જર્મની, બેલ્જિયમ, આર્યલેન્ડ, નેધરલેન્ડ, સ્પેન અને બંગલાદેશ સહિત અનેક દેશોનો સમાવેશ થાય છે. દેશમાં અત્યાર સુધી કોરોના રસકરણના 109.08 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.