નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 60,975 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 848 લોકોનાં મોત થયાં છે, દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 31,67,323 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 58,390 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 24,04,585 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 7,04,348 પહોંચી છે. રિકવરી રેટ વધીને 75.91એ પહોંચ્યો છે.
મેરઠની એક હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં હવન
મેરઠની એક હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સારવાર માટે એક નવો આઇડિયા અપનાવવામાં આવ્યો હતો. અહીં કોવિડ વોર્ડમાં ઔષધીય હવન કરવામાં આવ્યો હતો. શાંતિકુંજની ટીમ હોસ્પિટલના કોરોના વોર્ડમાં પહોંચી હતી અને PPE કિટ પહેરીને હવન કર્યો હતો. કોરોના નાશ માટે અહી મંત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. આ હવનમાં અનેક પ્રકારની આયુર્વેદિક ઓષધીઓનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે હવનમાં જડીબુટ્ટીઓથી થતા ધુમાડાથી વાઇરસ નષ્ટ થાય છે.
3.68 કરોડ લોકોના ટેસ્ટિંગ કરાયા
દેશમાં સંક્રમિતોની સંખ્યા વધવાનું કારણ એ પણ છે કે ટેસ્ટિંગની સંખ્યામાં વધારો થયો છે. ICMR ના આંકડા અનુસાર 24 ઓગસ્ટે દેશમાં 9,25,383 લાખ લોકોની કોરોનાની તપાસ કરવામાં આવી હતી. દેશમાં 24 ઓગસ્ટ સુધી કુલ 3.68,27,520 કરોડ લોકોનાં સેમ્પલ ટેસ્ટિંગ થઈ ચૂક્યા છે. પોઝિટિવિટી રેટ 6.58 ટકા થયો છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
