મુંબઈઃ રેલવે મંત્રાલયની જાહેર ક્ષેત્રની કંપની રેલટેલએ પોતાની પ્રીપેડ વાઈ-ફાઈ સેવા શરૂ કરી છે. તે અંતર્ગત દેશભરમાં 4,000 જેટલા રેલવે સ્ટેશનો પર પ્રવાસીઓને પ્રીપેડ હાઈ-સ્પીડ સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. પ્રવાસીઓ આ માટે નેટ-બેંકિંગ, ઈ-વોલેટ અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી શકે છે.
રેલટેલ દેશના તમામ રેલવે સ્ટેશનોને વાઈ-ફાઈ ટેક્નોલોજી સાથે જોડવાની છે. પ્રવાસીઓ એમની જરૂરિયાત મુજબનો પ્લાન ઓનલાઈન ખરીદી શકે છે. 10 રૂપિયામાં પાંચ જીબી ડેટા મળે છે અને વેલિડિટી એક દિવસની છે. એવી રીતે, 20 રૂપિયામાં 10 જીબી ડેટા (પાંચ દિવસ વેલિડિટી), 30 રૂપિયામાં 20 જીબી ડેટા (પાંચ દિવસ વેલિડિટી), 40 રૂપિયામાં 20 જીબી (દસ દિવસ વેલિડિટી), 50 રૂપિયામાં 30 જીબી ડેટા (દસ દિવસ વેલિડિટી), 70 રૂપિયામાં 60 જીબી ડેટા (30 દિવસ વેલિડિટી) (34 Mbps સ્પીડ). પ્રવાસીને ઓટીપી-આધારિત વેરિફિકેશન અને એક્ટિવ કનેક્શનની સૂચના મળ્યા બાદ એના સ્માર્ટફોનમાં કનેક્શન એક્ટિવેટ થશે. પ્રીપેડ પ્લાન્સ અંતર્ગત પ્રવાસીઓ 1 Mbpsની સ્પીડ પર દરરોજ 30-મિનિટ મફત વાઈ-ફાઈનો લાભ મેળવશે. બીજી બાજુ, જો એમને હાઈસ્પીડ (34 Mbps) જોઈતી હોય તો મામુલી ચાર્જવાળો પ્લાન પસંદ કરવો પડશે.