નવી દિલ્હી- કેન્દ્ર સરકારે ગત નવેમ્બરમાં લોન્ચ કરેલી 59 મિનીટ્સમાં લોનની યોજના હેઠળ જાહેર ક્ષેત્રની બેંકોએ 1.12 લાખ અરજીઓ મંજૂર કરી છે, જેના હેઠળ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME)ને 37,412 કરોડ રૂપિયાની લોન આપવામાં આવી.
જીએસટી હેઠળ રજીસ્ટર્ડ થયેલા MSME એકમો આ યોજનાનો લાભ લેવા માટે www.psbloansin59minutes.com પોર્ટલ પરથી એક કરોડ રૂપિયા સુધીની લોન માટે અરજી કરી શકે છે. યોજનાની સફળતા અંગે જાણકારી આપતા રાજ્ય નાણાં પ્રધાન શિવપ્રતાપ શુક્લાએ લોક સભામાં એક લેખિત જવાબમાં કહ્યું કે, 25 ડિસેમ્બર સુધીમાં 1.31 લાખથી વધુ એકમોએ લોન માટે અરજી કરી છે.
આ તમામ અરજીઓ માંથી 1.12 લાખ અરજીઓને સરકારી બેંકો દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. જેમાંથી 40,669 એકમોને અંતિમ મંજૂરી આપવામાં આવી જેમણે 14,088 કરોડ રૂપિયાની લોન માટે અરજી કરી હતી. શુક્લાએ વધુમાં કહ્યું કે, સરકાર અને રિઝર્વ બેંક એમએસએમઈ સેક્ટરને સરળ ધિરાણ સુનિશ્ચિત કરવા વિવિધ પગલા લઈ રહી છે.