અગસ્ટાવેસ્ટલેન્ડ કેસ: મિશેલે સોનિયાનું નામ લીધું?

નવી દિલ્હી: અગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઇપી હેલિકોપ્ટર કૌભાંડ મામલે કથિત રીતે મધ્યસ્થી ક્રિસ્ટીયન મિશેલને આજે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ઇડીએ કોર્ટમાં કહ્યું કે ક્રિસ્ટીયન મિશેલે પૂછપરછમાં સોનિયા ગાંધીનું નામ લીધું છે. જોકે, ઈડીએ કહ્યું કે, મિશેલે ગાંધીનું નામ ક્યાં સંદર્ભમાં લીધું છે તે અંગે હજુ સ્પષ્ટતા નથી થઈ. કોર્ટમાં ઇડીએ જણાવ્યું કે આ સોદામાં કોડવર્ડમાં વાત કરવામાં આવી હતી. ઇડીએ જણાવ્યું કે મિશેલે પુછપરછમાં ઇટાલીયન મહિલાનું નામ લીધું છે. જોકે ઇડીએ એવું પણ જણાવ્યું છે કે મિશેલ વારંવાર ઇટાલિયન મહિલાના પુત્રની વાત કરે છે. તો બીજી તરફ કોંગ્રેસે કહ્યું છે કે, મિશેલ પર સરકારી એજન્સીઓ દબાણ કરી રહી છે. કોર્ટે મિશેલના વધુ 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે.

ઇડીએ જણાવ્યું કે કઇ રીતે આ કોન્ટ્રાક્ટમાંથી એચએએલને હટાવી અને તેની ઓફર ટાટાને આપવામાં આવી તે મિશેલે ઓળખી કોઢ્યું છે. આ સાથે જ ઇડીએ મિશેલના વકીલને તેના સુધી પહોંચવા પર પણ રોક લગાવવાની માગ કરી છે. ઇડીનું કહેવું છે કે, વકીલ દ્વારા મિશેલ પર બહારથી દબાણ બનાવવામાં આવી રહ્યું છે. તેના પર મિશેલના વકીલે જણાવ્યું હતું કે, અમે આ વિવાદ કરી રહ્યાં નથી કે તેઓ (ક્રિસ્ટીયન મિશેલ)એ અમને દસ્તાવેજો સોંપ્યા હતાં. પરંતુ એ ઈડીની ભૂલ છે કે, તેમણે એમ થવાં ન દીધું.

કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન આર.પી.એન.સિંહે કહ્યું કે, મિશેલ પર એક જ પરિવારનું નામ લેવા પર વિશેષ દબાણ કરવામાં આવી રહ્યું છે. ચોકીદાર કેમ સરકારી એજન્સીઓ પર એક પરિવારનું નામ લેવા પર દબાણ કરી રહ્યાં છે?

પટિયાલા હાઉસ કોર્ટે મિશેલના વકીલને તેમની સાથે મુલાકાત દરમિયાન એક અંતર કાયમ રાખવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે જ કોર્ટે મિશેલના વકીલ માટે દરરોજ સવારે અને સાંજે મિશેલને મળવાનો સમય 15 મિનીટનો નક્કી કરી દીધો છે.