નવી દિલ્હીઃ મણિપુરમાં હિંસામાં અત્યાર સુધી 54 લોકોનાં મોત થયાં છે. આ સિવાય આશરે 100 લોકો ઇજા પામ્યા છે. જોકે પોલીસને એની પુષ્ટિ કરી હતી. મણિપુર હિંસામાં સેના અને આસામ રાઇફલ્સના આશરે 10,000 સૈનિકોને રાજ્યમાં તહેનાત કરવામાં આવ્યા છે. બે જૂથ વચ્ચે થયેલી હિંસક ઝડપમાં અનેક લોકો માર્યા ગયા હતા. મણિપુરમાં હિંસામાં નિયંત્રણ મેળવવા માટે સેનાની વધારાની ટુકડીઓ, રેપિડ એક્શન ફોર્સ અને કેન્દ્રીય પોલીસ દળોને મોકલવામાં આવ્યા હતા.
અધિકારીઓએ કહ્યું હતું કે મણિપુર નરસંહારમાં મૃતકોની સંખ્યા વધીને 54 થઈ ગઈ છે. જોકે બિનસત્તાવાર સૂત્રોએ આ આંકડો એનાથી વધુ બતાવ્યો છે. ઇમ્ફાલમાં શનિવારે દુકાનો અને બજારો ખૂલ્યાં હતાં અને રસ્તા પર જનજીવન સામાન્ય થયું હતું.
સંરક્ષણ પ્રવક્તાએ જણાવ્યું હતું કે તણાવગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા 13,000 લોકોને સુરક્ષિત કાઢીને સેનાએ શિબિરોમાં પહોંચાડ્યા હતા. સેનાના PROએ જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ હિંસાથી પ્રભાવિત ક્ષેત્રોના વિવિધ અલ્પસંખ્યક વિસ્તારોમાંથી લોકોને બચાવ્યા હતા. ચુરાચાંદપુર, કાંગપોકપી, મોરેહ અને કાકચિંગમાં સ્થિતિ હવે સંપૂર્ણપણે કાબૂમાં છે.
ઇમ્ફાલ ખીણના બધાં વિસ્તારોમાં સ્થિતિ હવે કાબૂમાં આવવા લાગી છે. અહીં પણ જનજીવન સામાન્ય થવા લાગ્યું છે. જોક્ ઇમ્ફાલના પૂર્વ-પશ્ચિમી જિલ્લાઓમાં શુક્રવારની રાત્રે આગ ચાંપવાના બનાવ બન્યા હતા. ઉપદ્રવીઓએ નાકાબંધી કરવાના પ્રયાસ કર્યા હતા. જોકે સુરક્ષા દળોએ સ્થિતિ બગડવાથી અટકાવી હતી અને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.