નવી દિલ્હી: કોરોના વાયરસના કારણે ભારત સહિત દુનિયાભરમાં લોક ડાઉનની સ્થિતિ છે. કોરોના વાયરસને ધ્યાને રાખતા કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે આદેશ આપ્યો છે કે B અને C શ્રેણીના 50 ટકા કર્મચારીઓ રોજ કાર્યલય આવશે અને બાકીના 50 ટકા કર્મચારીઓ ઘરેથી કામ કરશે. કર્મચારીઓને કામના કલાકોમાં ફેરફાર કરી શકાશે. કેન્દ્રીય કર્મચારી, જાહેર ફરિયાદો અને પેન્શન મંત્રાલય દ્વારા આ આદેશ જાહેર કરવામાં આવ્યો છે.
આદેશ અનુસાર તમામ કર્મચારીઓ વૈકલ્પિક રીતે ઘરેથી અને ઓફિસથી કામ કરશે. કર્મચારીઓ પર આ આદેશ 4 એપ્રિલ સુધી લાગૂ રહેશે. જે કર્મચારી કોરોના વાઈરસથી જોડાયેલ કોઇ કામમાં લાગેલ હોય તો તેના પર રોસ્ટર લાગૂ નહીં થાય. તેઓ પોતાનું કામ યથાવત રાખી શકે છે.
મહત્વનું છે કે, દેશમાં કોરોના વાઈરસના કારણે આજે પંજાબમાં વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. દેશમાં ગુરુવારે કોરોના વાઈરસ સંક્રમિતોની સંખ્યા 177 થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં 5, ચંદીગઢ અને છત્તીસગઢમાં 1-1 નવા કેસ પ્રકાશમાં આવ્યા છે. ચંદીગઢમાં 23 વર્ષની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તે તાજેતરમાં જ બ્રિટનથી પરત ફરી છે.