450 હેલિપેડ, કરોડોનો ખર્ચઃ વીકે પાંડિયનની વિરુદ્ધ ભાજપ પગલાં લેશે

નવી દિલ્હીઃ સરકારી નાણાં કે કરદાતાનાં ટેક્સના પૈસાનો દુરુપયોગ થતો અટકાવવા માટે કડક સજાનો કાયદો ઘડવાનો સમય પાકી ગયો છે.  ઓડિશામાં લાંબા સમય સુધી સત્તામાં રહેલી પટનાયક સરકારની ચૂંટણીમાં હાર્યા પછી મુશ્કેલીઓનો દોર શરૂ થયો છે. પટનાયકના ખાસ સહયોગી વીકે પાંડિયનને લઈને તાજો મામલો છે. રાજ્યની ભાજપ સરકારે આરોપ લગાવ્યો હતો કે વિધાનસભા ચૂંટણીના સમયે વીકે પાંડિયને જે હેલિકોપ્ટરનો અને હેલિપેડ્સનો ઉપયોગ કર્યો હતો, એનો ખર્ચ તેમની પાર્ટીને બદલે BJDની સરકારે ઉઠાવ્યો હતો. તેમના માટે રાજ્યમાં કુલ 450 હેલિપેડ્સ બનાવવામાં આવ્યા હતા.

રાજ્યના વાણિજ્ય અને પરિવહન મંત્રી બિભૂતિ ભૂષણ જેનાએ તપાસ કરવાની વાત કહી હતી. કાનૂન મંત્રી હરિચંદને પણ કહ્યું હતું કે આ ગંભીર મામલો છે. આખરે કોના આદેશ પર અને કોના માટે ખર્ચ થયો એની તપાસ થવી જોઈએ. વીકે પાંડિયન ભૂતપૂર્વ IAS અધિકારી હતા અને નોકરી છોડીને રાજકારણમાં આવી ગયા હતા. ત્યારે તેઓ CM નવીન પટનાયકના બહુ નજીકના હતા અને સરકાર અને પાર્ટીમાં બહુ પ્રભુત્વ ધરાવતા હતા.

ઓડિશામાં RTI કાર્યકર્તાના એક જૂથે 24 જુલાઈએ પાંડિયનની વિરુદ્ધ  હેલિકોપ્ટર અને ચાર્ટર્ડ ફ્લાઇટ્સના દુરુપયોગનો આરોપ લગાવ્યો છે. આ મુદ્દે BJD પદાધિકારી સંબિત રાઉત્રેએ કહ્યું હતું કે ભાજપ, કોંગ્રેસે રાજ્યમાં વિકાસ કેટલો થયો છે એના પર ધ્યાન આપવું જોઈએ. તેમને એ વાતની ચિંતા કેમ છે કે કોણે ક્યાં સવારી કરી?

નવીન પટનાયકના નેતૃત્વવાળી BJD સરકાર પાંચ માર્ચ, 2000એ ઓડિશામાં સત્તા પર આવી હતી. પટનાયક સરકાર 24 વર્ષ સતત સત્તમાં રહી હતી. આ સરકારનો કાર્યકાળ 12 જૂન, 2024એ પૂરો થયો, ત્યાર બાદ ભાજપ સત્તામાં આવી હતી અને રાજ્યમાં 15મા CM તરીકે મોહન ચરણ માઝીએ સરકાર બનાવી હતી.