વાયનાડમાં ભૂસ્ખલનથી 43નાં મોત, 70 ઘાયલ  

વાયનાડઃ કેરળના વાયનાડમાં ભારે વરસાદ પછી ભૂસ્ખલનને 100થી વધુ લોકો ફસાયા છે. અહીં લેન્ડસ્લાઇડ સવારે બે કલાકે થઈ હતી. ત્યાર બાદ સવારે 4.10 વાગ્યે ફરી લેન્ડસ્લાઇડ થઈ હતી. ત્રણ વાર લેન્ડસ્લાઇડને કારણે અનેક લોકો ફસાયા છે. અત્યાર સુધી 43 લોકોનાં મોત થયાં છે. કાટમાળમાં ફસાયેલા લોકો માટે બચાવ કામગીરી ચલાવવામાં આવી રહી છે. એરફોર્સનાં બે હેલિકોપ્ટર પણ બચાવ કામગીરીમાં લાગેલા છે. કેરળ સરકારે સેનાથી મદદ માગી છે.

વાયનાડની મેપ્પડી પંચાયત હેઠળના મુંડક્કાઈ અને ચુરલમાલા ગામમાં ભૂસ્ખલન થયું હતું. મુખ્ય મંત્રી પી વિજયને કહ્યું હતું કે તમામ સરકારી એજન્સીઓને બચાવ કામગીરીમાં તહેનાત કરવામાં આવી છે. SDRF ટીમ ઉપરાંત NDRF ટીમને પણ માહિતી આપવામાં આવી છે. અકસ્માતમાં ઘાયલ 16 લોકોને મેપ્પાડીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

વડા પ્રધાન મોદીએ કેરળના CM પી. વિજયનથી વાત કરી હતી અને કેન્દ્રથી દરેક સંભવિત મદદનું આશ્વાસન આપ્યું છે. પ્રત્યેક મૃતના પરિવારજન માટે PMNRFથી રૂ. બે લાખ અને ઘાયલોને રૂ. 50,000 આપવામાં આવશે. PM મોદીએ X પર પોસ્ટ કર્યું હતું કે વાયનાડના કેટલાક ભાગોમાં ભૂસ્ખલનથી વ્યથિત છું. મારી સંવેદનાઓ એ બધા લોકોની સાથે છે, જેમણે તેમના સગાંવહાલાં ગુમાવ્યા છે અને એ ઘાયલો માટે પ્રાર્થના કરું છે. બધા પ્રભાવિત લોકોની મદદ માટે બચાવ કામગીરી ચાલી રહી છે.

PM મોદીએ ભાજપાધ્યક્ષ જેપી નડ્ડા સાથે પણ વાત કરી અને તેમને સુનિશ્ચિત કરવા કહ્યું હતું કે ભાજપના કાર્યકરો રાહત પ્રયાસોમાં તમામ શક્ય મદદ પૂરી પાડે.

વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ અકસ્માત બાદ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરી હતી. તેમણે કહ્યું કે વાયનાડમાં મેપ્પડી નજીક થયેલા મોટા ભૂસ્ખલનથી હું ખૂબ જ દુઃખી છું. જે પરિવારોએ પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના. હું આશા રાખું છું કે જે લોકો હજુ પણ ફસાયેલા છે તેઓને જલદી સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવશે. મેં કેરળના મુખ્ય મંત્રી અને વાયનાડના જિલ્લા કલેક્ટર સાથે વાત કરી છે, જેમણે મને ખાતરી આપી છે કે બચાવ કામગીરી ચાલુ છે.