મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે જેટ એરવેઝની માલિકીના ચાર બોઈંગ-777 વિમાન જપ્ત કર્યા છે. આ પગલું તહેસીલદાર કાર્યાલયે કર્મચારીઓને ગ્રેચ્યુઈટીની રકમ ન ચૂકવવા બદલ મહારાષ્ટ્ર લેન્ડ રેવેન્યૂ કોડની જોગવાઈઓ અંતર્ગત લીધું છે.
બંધ પડેલી એરલાઈનના કર્મચારીઓ એમનાં પ્રોવિડન્ટ ફંડ તથા ગ્રેચ્યુઈટીની રકમ મેળવવા માટે કાનૂની લડાઈ લડી રહ્યાં છે. ગયા ઓક્ટોબરમાં, નેશનલ કંપની લૉ અપીલેટ ટ્રિબ્યુનલે એવો ચુકાદો આપ્યો હતો કે જેટ એરવેઝને હસ્તગત કરવાની અરજીમાં સફળ રહેલું કેલરોક જાલન ઉદ્યોગ સમૂહ કર્મચારીઓને પીએફ અને ગ્રેચ્યુઈટીની રકમ ચૂકવવા માટે જવાબદાર છે. કેલરોક જાલન કન્સોર્ટિયમે આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે, જેની સુનાવણી થવાની હજી બાકી છે. ઓલ ઈન્ડિયા જેટ એરવેઝ ઓફિસર્સ એન્ડ સ્ટાફ એસોસિએશનના કાનૂની સલાહકારે જણાવ્યું છે કે કર્મચારીઓને ગ્રેચ્યુઈટીની ચૂકવણી સંબંધિત આદેશો અમે 2021ના ડિસેમ્બરમાં મુંબઈમાં સહાયક લેબર કમિશનર કાર્યાલયમાંથી મેળવ્યા હતા. આ આદેશોને પડકારવામાં આવ્યા નથી. તેથી અમે લેન્ડ રેવેન્યૂ કોડ અંતર્ગત રકમ મેળવવા માટેની કાયદેસર પ્રક્રિયા હાથ ધરી છે અને મહારાષ્ટ્ર સરકારના તહેસીલદારે જેટ એરવેઝના ચાર વિમાનને જપ્ત કરાવ્યા છે.