જયપુરઃ રાજસ્થાનના પાટનગર જયપુરના અનેક વિસ્તારો આજે વહેલી સવારે ધરતીકંપના આંચકાથી હચમચી ગયા હતા. લગભગ અડધા કલાકના ગાળામાં ધરતીકંપના ત્રણ આંચકા આવ્યા હતા. એને કારણે ગાઢ નિંદર માણી રહેલાં લોકો સફાળા જાગી ગયા હતા અને એમનાં ઘર-મકાનોમાંથી બહાર દોડી ગયા હતા. પોલીસના જણાવ્યા મુજબ, પહેલો આંચકો સવારે 4.09 વાગ્યે લાગ્યો હતો, જે 4.4ની તીવ્રતાનો હતો. ત્યારબાદ 4.22 વાગ્યે બીજો આંચકો આવ્યો હતો જે 3.1ની તીવ્રતાનો હતો અને ત્રીજો આંચકો 4.25 વાગ્યે લાગ્યો હતો જેની તીવ્રતા 3.4ની હતી.
નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના જણાવ્યા મુજબ, ધરતીકંપનું કેન્દ્રબિંદુ જયપુરમાં જમીનથી 10 કિ.મી. ઊંડે હોવાનું માલુમ પડ્યું હતું. ઘણા લોકોએ ધરતીકંપના આંચકાઓ વિશે સોશિયલ મિડિયા પર પૂછપરછ કરી હતી તો ઘણાએ ઘરોની બહાર ગભરાટના માર્યા ભેગા થઈ ગયેલા લોકોની તસવીરો શેર કરી છે. રાજ્યનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજેએ પણ કહ્યું કે એમને પણ જયપુરમાં ધરતીકંપના તીવ્ર આંચકાનો અનુભવ થયો હતો. ટ્વીટમાં એમણે જણાવ્યું છે કે, હું આશા રાખું છું કે સૌ સુરક્ષિત છે.