ઢાકાઃ શેખ હસીનાએ વડા પ્રધાનપદથી રાજીનામું આપ્યા પછી બંગલાદેશમાં ભડકેલી હિંસા અને અથડામણમાં છેલ્લા ત્રણ દિવસોમાં કમસે કમ 232 લોકોનાં મોત થયાં છે. એ સાથે છેલ્લા 23 દિવસોમાં મૃતકોની કુલ સંખ્યા 560એ પહોંચી છે. આ ઘટના વડા પ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપ્યા પછી વિરોધ પ્રદર્શનની વચ્ચે ભારત ભાગી ગયા પછી થઈ હતી. આ વિરોધ પ્રદર્શનોને કારણે શેખ હસીના સરકાર પડી ગઈ હતી. અને નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસના નેતૃત્વવાળી વચગાળાની સરકાર દેશમાં વહીવટ હાથમાં લઈ લીધો છે.
સ્થાનિક મિડિયાએ હિંસાને ધ્યાનમાં રાખતાં બંગલાદેશમાં અલ્પસંખ્યકો પર ગંભીર ઉત્પીડનના અહેવાલો આપ્યા છે. જેને લીધે છેલ્લા કેટલાક દિવસોમાં ભયભીત બંગલાદેશ હિન્દુઓએ ગેરકાયદે રીતે ભારતમાં ઘૂસવાના પ્રયાસ કર્યા છે.
અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે મોટી સંખ્યામાં હિન્દુ બંગલાદેશ છોડીને ભારત આવવા ઇચ્છે છે. સોશિયલ મિડિયા પર એક વિડિયો પણ વાઇરલ થઈ રહ્યો છે, જેમાં ભારત-બંગલાદેશ બોર્ડર પર સેંકડો લોકોની ભીડ જોવા મળી રહી છે.
બંગલાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલાને ધ્યાનમાં રાખીને ભારત સરકારે આ મુદ્દે સમિતિની રચના કરી છે. આ હુમલાઓ અંગે આ સમિતિ સમીક્ષા કરશે. આટલું જ નહીં, હિન્દુઓ તથા લઘુમતીઓની સુરક્ષા મામલે ગૃહ મંત્રાલય બંગલાદેશની વચગાળાની સરકાર સાથે સીધો સંવાદ કરશે. આ સમિતિ ભારત બંગલાદેશની સરહદની પરિસ્થિતિ પર પણ નજર રાખશે.