નવી દિલ્હી – દેશ આવતીકાલે 70મો પ્રજાસત્તાક દિવસ ઉજવવાનો છે. એ માટેની તૈયારીઓ પૂર્ણતાને આરે છે. ત્યારે રાષ્ટ્રીય પાટનગરમાં ત્રાસવાદી હુમલાઓની યોજના ઘડનાર ‘જૈશ-એ-મોહમ્મદ’ સંગઠનના બે આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે.
આ બંને દેશના દુશ્મનોને અબ્દુલ લતીફ ગની (29) ઉર્ફે ઉમર ઉર્ફે દિલાવર અને હિલાલ એહમદ ભટ (26) તરીકે ઓળખી કાઢવામાં આવ્યા છે.
આ બંને જણ જમ્મુ-કશ્મીર રાજ્યના અનુક્રમે વાકુરા અને બાતાપોરા વિસ્તારના રહેવાસી છે.
દિલ્હીના લક્ષ્મી નગર વિસ્તારમાં અમુક વ્યક્તિઓની શંકાસ્પદ હિલચાલ થઈ હોવા વિશે લશ્કરી ગુપ્તચર તરફથી બાતમી મળ્યા બાદ પોલીસે 20-21 જાન્યુઆરીની રાતે દિલાવરને પકડ્યો હતો.
દિલાવર રાજઘાટ નજીક કોઈકને મળવા આવવાનો હતો એ જ વખતે દિલ્હી પોલીસની ટીમ ત્યાં ગોઠવાઈ ગઈ હતી અને એને પકડી લીધો હતો. એની પાસેથી અમુક વાંધાજનક સામગ્રી પણ મળી આવી હતી.
દિલાવર પાસેથી .32 બોરની એક પિસ્તોલ અને 26 જીવંત કારતૂસ કબજે કરાયા હતા. તે ઉપરાંત એની પાસેથી જૈશ-એ-મોહમ્મદ કમાન્ડર્સના ત્રણ રબર સ્ટેમ્પ તથા અન્ય સામગ્રી પણ જપ્ત કરાઈ હતી.
ત્યારબાદ દિલ્હી પોલીસની ટીમ જમ્મુ અને કશ્મીરમાં ગઈ હતી અને ત્યાંથી એના બીજા સાગરિતોને પકડ્યા હતા. ત્યાં દિલાવરના ઘરમાંથી બે હેન્ડગ્રેનેડ મળ્યા હતા.
ભટે દિલ્હીમાં આતંકવાદી હુમલા માટેના અનેક સ્થળોની રેકી કરી હતી. એને બાંદીપોરામાંથી પકડવામાં આવ્યો હતો.
પૂછપરછ દરમિયાન બંને જણે કહ્યું હતું કે તેઓ જૈશ-એ-મોહમ્મદના સભ્યો છે. દિલાવર તો આતંકી સંગઠનનો કશ્મીરના ગંડેરબાલ જિલ્લાનો કમાન્ડર છે. દિલાવરે જ પોલીસને કહ્યું કે એ પાકિસ્તાનસ્થિત હેન્ડલર અબુ મૌઝ સાથે ટેલીગ્રામ અને વોટ્સએપ દ્વારા સંપર્કમાં હતો. મૌઝે એને આકીબ નામના એક શખ્સ મારફત ડઝનથી વધારે હેન્ડ ગ્રેનેડ, પિસ્તોલ અને 30 જીવંત કારતૂસ આપ્યા હતા.
દિલાવરને આ હેન્ડ ગ્રેનેડ્સ જમ્મુ-કશ્મીરમાં સશસ્ત્ર અને પોલીસ દળોના જવાનો પર તેમજ પ્રજાસત્તાક દિવસની ઉજવણી ખોરવી નાખવા માટે દિલ્હીમાં અમુક વિસ્તારોમાં વાપરવા જણાવાયું હતું.
દિલાવરે અમુક હાથબોંબ શ્રીનગરમાં શાહબાઝ નામના એક અન્ય શખ્સ અને ભટને આપ્યા હતા.
આ નેટવર્ક વિશે જમ્મુ અને કશ્મીર પોલીસને વાકેફ કરવામાં આવી હતી. એને પગલે શાહબાઝની પણ ધરપકડ કરવામાં આવી છે.