પટનાઃ બિહારના છપરામાં ફરી એક વાર ઝેરી દારૂએ કહેર મચાવ્યો છે. આ ઝેરી દારૂને લીધે 17 લોકોનાં મોત થયાં છે. આ મામલો છપરા જિલ્લાના ઇસુઆપુર પોલીસ સ્ટેશનના વિસ્તારનો છે. પાંચ લોકોનાં મોત ગામમાં થયાં હતા. ત્યાર બાદ બાકી લોકોનાં મોત થયાં હતા. કેટલાક લોકો સ્થાનિક સ્તરે ચોરીછૂપી સારવાર કરાવી રહ્યા હોવાના અહેવાલો પણ છે. બિહારમાં દારૂબંધી છે અને અહીં દારૂના ખરીદ-વેચાણ પર પ્રતિબંધ છે.
આ ઝેરી દારૂ કાંડની ગુંજ બિહાર વિધાનસભામાં પણ પહોંચી હતી. બિહાર વિધાનસભામાં દારૂબંધીને લઈને હંગામો કર્યો હતો. બિહાર વિધાનસભાની બહાર ભાજપના વિધાનસભ્યો અનેક મુદ્દે વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે. વિપક્ષના સવાલો પર મુખ્ય પ્રધાન નીતીશકુમાર લાલચોળ થયા હતા.
વાસ્તવમાં વિપક્ષના નેતા વિજયકુમાર સિંહાએ છપરામાં ઝેરી દારૂને લીધેલાં થયેલાં મોતોને ધ્યાનમાં રાખતાં રાજ્ય સરકારની દારૂ બંધીની નીતિ વિશે સવાલો કર્યા હતા. વિપક્ષના સવાલ પર ગુસ્સમાં ભડકતા મુક્ય પ્રધાને કહ્યું હતું કે શું થઈ ગયું? તેમણે સવાલ કર્યો હતો કે જ્યારે દારૂબંધી કાયદો લાવવામાં આવ્યો હતો કે બધા પક્ષમાં હતા કે નહીં, જવાબ આપો. તેમણે ગૃહમાંથી સભ્યોને ભગાવવાની વાત પણ કરી હતી. તેમણે સ્પીકર ઇશારો કર્યો હતો કે બધાને અહીંથી દૂર કરો.