નવી દિલ્હીઃ પબજી ગેમનો વધુ એક ભયાનક કિસ્સો સામે આવ્યો છે. વાત છે અજમેર પાસે આવેલા નસીરાબાદની. અહીંયા એક કિશોર છેલ્લા 6 કલાકથી સતત પબજી રમતો હતો અને તેમા હાર્યા બાદ તેને એટેક આવ્યો અને 16 વર્ષના કિશોરનું મોત થયું. મૃતક કિશોરના પિતા હારુન કુરેશીએ જણાવ્યું કે તેમનો દીકરો રાત્રે બે વાગ્યા સુધી પબજી રમી રહ્યો હતો તો અને બીજા દિવસે પણ તે સતત છ કલાક સુધી ગેમ રમતો રહ્યો અને બાદમાં બ્લાસ્ટ કર, બ્લાસ્ટ કર, બ્લાસ્ટ કર… તેવી બૂમો પાડવા લાગ્યો અને તેનું મોત થઈ ગયું.
(પ્રતીકાત્મક તસવીર)
તેમણે જણાવ્યું કે ફુરકાન એકદમ સક્રિય બાળક હતો. કુરેશીએ જણાવ્યું કે તે અજમેરના નજીક નસીરાબાદમાં રહે છે અને પરિવાર સાથે નીમચમાં એક સગાઈમાં આવ્યાં હતાં અને તે સમયે જ આ ઘટના ઘટી. નીમચના હૃદય રોગ ચિકિત્સક ડો. અશોક જૈને કહ્યું કે હાર્ટ એટેક આવ્યા બાદ બાળકને હોસ્પિટલ લાવવામાં આવ્યો પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેના હ્યદયના ધબકારા બંધ થઈ ગયાં હતાં. તેમણે જણાવ્યું છે અમે આમ છતાં પણ બાળકને બચાવવા માટે ઈલેકટ્રિક શોક આપ્યા અને હૃદયનું પંપિંગ શરુ કરવાના ઈન્જેક્શન પણ આપવામાં આવ્યાં પરંતુ બાળકનું મૃત્યુ થઈ ચૂક્યું હતું.
કોતવાલી પોલીસ સ્ટેશનના પ્રભારી નિરીક્ષકે કહ્યું કે પરિજનો દ્વારા આ મામલે પોલીસને કોઈ સૂચના આપવામાં નથી આવી કે બાળકનું મોત કોઈ ગેમના કારણે થયું છે. એટલા માટે પોલીસ આ મામલામાં કોઈપણ પ્રકારની તપાસ નથી કરી રહી. હૃદય રોગ વિશેષજ્ઞ ડો. વિપુલ ગર્ગે કહ્યું કે ગેમ રમતાં રમતાં બાળકો તેને પોતાની સાથે જોડી લે છે અને અત્યંત આવેશમાં આવી જઈને હાર્ટ એટેકનો શિકાર બની જાય છે. ડો. ગર્ગે કહ્યું કે બાળકોને આ પ્રકારની ગેમથી દૂર રાખવા જોઈએ.