મોદી કેબિનેટનો પ્રથમ મોટો નિર્ણય, શહીદોના બાળકોની સ્કોલરશીપમાં કર્યો વધારો

નવી દિલ્હી: સતત બીજી વખત વડાપ્રધાન બનેલા નરેન્દ્ર મોદીએ તેમના બીજો કાર્યકાળ સંભાળતાની સાથે જ પહેલો મોટો નિર્ણય લીધો છે. રાષ્ટ્રીય રક્ષા કોષ અંતર્ગત હવે ‘વડાપ્રધાન સ્કોલરશીપ સ્કીમ’માં મોટા ફેરફારોને મંજૂરી આપી છે. શહીદોના બાળકોને મળતી સ્કોલરશીપને વધારવામાં આવી છે. સ્કોલરશીપ યોજના અંતર્ગત હવે શહીદોના પુત્રોને પ્રતિ મહિને 2000 રૂપિયાની જગ્યાએ 2500 રૂપિયા પ્રતિમાસ અને દીકરીઓને 2,250ની જગ્યાએ 3000 રૂપિયા પ્રતિ મહિને સ્કોલરશીપ આપવામાં આવશે.

એટલું જ નહીં, સ્કોલરશીપ યોજનાને વિસ્તારીત કરીને હવે આમાં રાજ્ય પોલીસનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આતંકી અને નક્સલી હુમલામાં શહીદ થનારા રાજ્ય પોલીસ જવાનો/કર્મચારીઓના બાળકોને પણ સ્કોલરશીપ મળશે.

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીન આ નિર્ણય અંગે જાણકારી આપી હતી. પીએમ મોદીએ લખ્યું કે, અમારી સરકારનો પ્રથમ નિર્ણય એ લોકોને સમર્પિત છે, જે ભારતનું રક્ષણ કરે છે.  નેશનલ ડિફેન્સ ફંડ હેઠળ પીએમ સ્કોલરશીપ સ્કીમમાં મોટા ફેરફારને મંજૂરી આપવામાં આવી છે. જેમાં આતંકી કે નક્સલી હુમલાઓમાં શહીદ થયેલા પોલીસકર્મીના બાળકોની સ્કોલરશીપમાં વધારો પણ સામેલ છે.

નેશનલ ડિફેન્સ ફંડની સ્થાપના 1962માં કરવામાં આવી હતી. હાલમાં આ ફંડનો ઉપયોગ સશસ્ત્ર દળો, અર્ધલશ્કરી દળો અને આરપીએફના સભ્યો ઉપરાંત, તેમના આશ્રિતોના કલ્યાણ માટે છે. જેના હેઠળ આપવામાં આવતી પીએમ સ્કોલરશીપનો ઉદ્દેશ શહીદોના પરિવારજનોને ટેક્નિકલ તેમજ પોસ્ટ-ગ્રેજ્યુએટ એજ્યુકેશન માટે પ્રોત્સાહિત કરવાનો છે.