ચંડીગઢઃ છેલ્લાં બે વર્ષમાં કોરોના રોગચાળાના સમયમાં રોજગાર ક્ષેત્રથી સારા સમાચાર આવી રહ્યા છે, જે આશાનું કિરણ લઈને આવ્યા છે. પંજાબ એન્જિનિયરિંગ કોલેજના છેલ્લા વર્ષના 16 વિદ્યાર્થીઓને આ વર્ષે પ્લેસમેન્ટ ડ્રાઇવમાં માઇક્રોસોફ્ટ દ્વારા રૂ. 46 લાખ વાર્ષિક પેકેજની ઓફર કરવામાં આવી છે. આ વિદ્યાર્થીઓ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ (ECE) અને કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ શાખાઓમાંના છે. આ આ વર્ષનું અત્યાર સુધીનું સૌથી વધુ પેકેજ છે અને ગયા વર્ષની તુલનામાં ઘણું વધુ છે. વર્ષ 2020માં આઠ વિદ્યાર્થીઓને માઇક્રોસોફ્ટે રૂ. 42 લાખનું વાર્ષિક પેકેજ ઓફર કર્યું હતું. US ટેક્નોલોજી જાયન્ટે વર્ષ 2019માં પાંચ વિદ્યાર્થીઓને આટલા જ પેકેજની ઓફર કરી હતી.
વર્ષ 2021-22 (હાલમાં) પ્લેસમેન્ટ ડ્રાઇવ હેઠળ પ્લેસમેન્ટ ચાલી રહ્યું છે અને અત્યાર સુધી આશરે 450 વિદ્યાર્થીઓને નોકરીની ઓફર મળી છે. વળી, આ પ્લેસમેન્ટ ડ્રાઇવ માર્ચ સુધી ચાલશે. સંસ્થા મુજબ છેલ્લા વર્ષમાં આશરે 650 વિદ્યાર્થીઓ છે અને અનેક વિદ્યાર્થીઓએ પ્લેસમેન્ટમાં ગયા નહોતા, કેમ કે તેમને ઉચ્ચ અભ્યાસ કરવાનો હતો.
PECના ડિરેક્ટર બળદેવ સેતિયાએ કહ્યું હતું કે ઇન્ટર્નશિપ કાર્યક્રમમાં 2020-21માં ઇન્ટર્નશિપ ઓફરની સંખ્યામાં 13 ટકાનો વધારો જોવા મળ્યો છે, જે 314 હતી. આ ઇન્ટર્નશિપના પરિણામસ્વરૂપ 132 પ્રી-પ્લેસમેન્ટ ઓફર થઈ છે, જે ગયા વર્ષની તુલનાએ 32 ટકાનો વધારો જોવા મળ્યો છે.
માઇક્રોસોફ્ટમાં નોકરી મેળવનાર વિદ્યાર્થીઓમાં 22 વર્ષીય અક્ષિત ગર્ગે કહ્યું હતું કે આ એક મોટી સફળતા છે અને હું એને મારાં માતા-પિતાને આ નોકરી સમર્પિત કરું છું. મેં આકરી મહેનત કરી છે અને આ એક સપનું છે, જે સાચું થવાનું છે.