બેંગલુરુ – કર્ણાટક વિધાનસભામાં ભાજપના મુખ્ય પ્રધાન તરીકે ચૂંટાઈ આવેલા બી.એસ. યેદિયુરપ્પાની સરકારે આવતીકાલે, સોમવારે વિશ્વાસનો મત લેવાનો છે ત્યારે આજે, સ્પીકર કે.આર. રમેશે કોંગ્રેસ અને જનતા દળ (સેક્યૂલર)ના વધુ 14 અસંતુષ્ટ વિધાનસભ્યોને ગેરલાયક ઠેરવ્યા છે. ગઈ 23 જુલાઈએ ગૃહમાં હાજર રહેવાના પક્ષોનાં વ્હીપનો અનાદર કરવા બદલ સ્પીકરે આ 14 સભ્યોને ગેરલાયક જાહેર કર્યા છે. આ પહેલાં, કોંગ્રેસના 3 વિધાનસભ્યોને સ્પીકર ગેરલાયક ઠેરવી ચૂક્યા છે.
આ 14 વિધાનસભ્યો 23 જુલાઈએ ગૃહમાં ગેરહાજર રહ્યા હતા. એ દિવસે તે વખતના મુખ્ય પ્રધાન કુમારસ્વામીએ એમની બહુમતી સાબિત કરવા માટે વિશ્વાસના મતનો પ્રસ્તાવ ગૃહમાં રજૂ કર્યો હતો, પણ એમના જેડીએસ તથા સહયોગી કોંગ્રેસ પાર્ટીના વિધાનસભ્યો હાજર ન રહેતાં કુમારસ્વામી વિશ્વાસનો મત હારી ગયા હતા અને એમને રાજીનામું આપવું પડ્યું હતું.
ગેરલાયક જાહેર કરાયેલા સભ્યોમાં કોંગ્રેસના 11 અને જેડીએસના 3 સભ્યો છે.
સ્પીકર રમેશે કહ્યું કે એમણે બંધારણની કલમ 191 (2)ના 10મા પરિશિષ્ટ અંતર્ગત આ સભ્યોને ગેરલાયક જાહેર કર્યા છે.
કુમારસ્વામી વિશ્વાસનો મત હારી જતાં ગૃહમાં વિપક્ષી નેતા યેદિયુરપ્પાએ સરકાર રચવાનો દાવો કર્યો છે.
વિશ્વાસના મતદાન વખતે શાસક જેડીએસ-કોંગ્રેસની તરફેણમાં 99 મત આવ્યા હતા જ્યારે ભાજપને 105 મત મળ્યા હતા.
કોંગ્રેસના 3 અસંતુષ્ટ વિધાનસભ્યોને સ્પીકરે ગઈ 25 જુલાઈએ જ ગેરલાયક જાહેર કરવામાં આવ્યા હતા. એમણે પણ વિશ્વાસના મત પ્રસ્તાવ વખતે ગૃહમાં હાજર રહેવાના પાર્ટીના આદેશનો અનાદર કર્યો હતો.
દરમિયાન, આ તમામ 14 વિધાનસભ્યોએ કહ્યું છે કે તેઓ સ્પીકરના નિર્ણયને સોમવારે સુપ્રીમ કોર્ટમાં પડકારશે.
અસંતુષ્ટ વિધાનસભ્યોએ કહ્યું છે કે તેઓ સ્પીકરના નિર્ણયને પડકારતી સંયુક્ત પીટિશન સુપ્રીમ કોર્ટમાં નોંધાવશે. એમની દલીલ છે કે કોંગ્રેસ અને જેડીએસ પાર્ટીએ વ્હીપ ઈસ્યૂ કર્યો એ પહેલાં, 11 જુલાઈએ જ એમણે તેમના રાજીનામા સ્પીકરને સુપરત કર્યા હતા. કુમારસ્વામીએ 18 જુલાઈએ ગૃહમાં વિશ્વાસનો મત પ્રસ્તાવ રજૂ કર્યો હતો.