વધતી ગ્લોબલ વોર્મિંગ માનવ વસ્તી માટે એક મોટો ખતરો છે. એમાં પણ ભારતનું દિલ્હી પ્રદૂષણમાટે અવર નવાર ચર્ચામાં આવતુ રહેતું હોય છે. ત્યારે દુનિયાના સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં ભારતના શહેરોના નામ મોખરે આવ્યા છે. વાસ્તવમાં વાત એવી છે કે, સ્વિસ એર ક્વોલિટી ટેક્નોલોજી કંપનીએ મંગળવારે 11 માર્ચના રોજ IQAirના ‘વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2024’ રજૂ કર્યો હતો. જેમાં ઘણા ચોકાવનારા ખુલાસા થયા. વિશ્વના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાંથી 13 ભારતમાં છે. મેઘાલયનું બર્નિહાટ આ યાદીમાં ટોચ પર છે. તેમજ દિલ્હી આજે પણ વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાનીનું શરમજનક બિરુદ ધરાવે છે.
IQ એર રિપોર્ટ 2024ના પ્રમાણે ભારત વિશ્વના સૌથી પ્રદૂષિત દેશોમાં પાંચમા ક્રમે આવ્યું છે. નોંધનીય બાબત છે કે, દેશના સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં દિલ્હી કે નોઈડા નહીં પરંતુ મેઘાલયનું બર્નિહાટ છે. જ્યારે દિલ્હી વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાનીમાં અકબંધ સ્થાન ધરાવી રાખ્યું છે. જણાવી દઈએ કે, વિશ્વના 20 પ્રદૂષિત શહેરોમાં બર્નિહાટ (મેઘાલય), દિલ્હી, મુલ્લાનપુર (પંજાબ), ફરીદાબાદ (હરિયાણા), લોની (ગાઝિયાબાદ), નવી દિલ્હી (દિલ્હી), ગુરુગ્રામ (હરિયાણા), ગંગાનગર (રાજસ્થાન), ગ્રેટર નોઈડા (ઉત્તર પ્રદેશ), ભીવાડી (રાજસ્થાન), મુઝફ્ફરનગર (ઉત્તર પ્રદેશ), હનુમાનગઢ (રાજસ્થાન), નોઈડા (ઉત્તર પ્રદેશ)નો સમાવેશ થાય છે.
વર્ષ 2023માં ભારત આ યાદીમાં ત્રીજા નંબરે હતું. આ રિપોર્ટ અનુસાર, ભારતમાં વર્ષ 2024માં PM (Particulate matter) 2.5 સાંદ્રતામાં 7%નો ઘટાડો જોવા મળ્યો હતો, જે 2023માં સરેરાશ 50.6 માઈક્રોગ્રામ પ્રતિ ઘન મીટર હતો. તેમ છતાં, વિશ્વના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાંથી 13 ભારતમાં છે. ઉલ્લેખનીય છે કે 2.5 માઇક્રોનથી નાના હવાના પ્રદૂષણના કણો ફેફસાં અને લોહીમાં પ્રવેશી શકે છે, જેનાથી શ્વાસ લેવામાં તકલીફ, હૃદય રોગ અને કેન્સર પણ થાય છે. આ વાહનોના ધુમાડા, ઔદ્યોગિક ઉત્સર્જન અને લાકડા અથવા પાકના કચરાને બાળવાથી પણ થઈ શકે છે. રિપોર્ટ અનુસાર, ભારતના 35% શહેરોમાં વાર્ષિક PM 2.5 સ્તર WHOની 5 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટરની મર્યાદા કરતાં 10 ગણું વધારે છે. દિલ્હી આખા વર્ષ દરમિયાન ગંભીર વાયુ પ્રદૂષણની સમસ્યાનો સામનો કરે છે અને શિયાળામાં તે વધુ ખરાબ બને છે, જ્યારે પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ, વાહનોનો ધુમાડો, પરાલી સળગાવવા, ફટાકડા ફોડવા અને અન્ય સ્થાનિક પ્રદૂષણ હવાની ગુણવત્તાને જોખમી બનાવે છે.
