MPમાં બસ નર્મદા નદીમાં પડતાં 13નાં મોત

 ભોપાલઃ મધ્ય પ્રદેશના ધાર જિલ્લાની ઇન્દોરથી પુણે જઈ રહેલી મહારાષ્ટ્ર રોડવેઝની એક બસ ખલઘાટ વિસ્તારમાં પૂલની રેલિંગ તોડ્યા પછી નર્મદા નદીમાં પડી ગઈ હતી. અત્યાર સુધી 15 લોકોને બચાવવામાં આવ્યા છે. જોકે 13 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. આ બસમાં 55 લોકો હતા. રાહત અને બચાવ કાર્ય જારી છે. વરસાદની વચ્ચે નદીમાંથી બસને કાઢી લેવામાં આવી છે. આ બસમાં મહિલાઓ અને બાળકો પણ હતાં.
મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ પણ આ ઘટનાની માહિતી મેળવી રહ્યા છે. તેમણે SDRFને મોકલવાના નિર્દેશ આપ્યા છે. એ સિવાય દુર્ઘટનાસ્થળે તેમણે જરૂરી સંસાધનો મોકલવાના પણ નિર્દેશ આપ્યા હતા. આ સાથે તેમણે ઘાયલોની વ્યવસ્થા કરવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા. ઇન્દોર જિલ્લાના વહીવટી તંત્ર સાથે મુખ્ય પ્રધાન સતત સંપર્કમાં છે.

મધ્ય પ્રદેશના ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાએ આ બસ ઇન્દોરથી પુણે જઈ રહી હતી. આ એસટી બસ ધામનોદની પાસે ખલઘાટમાં નર્મદા નદીમાં પડવાની બહુ દુઃખદ અને પીડાદાયક દુર્ઘટના બની છે. બધા જવાબદાર અધિકારીઓ અને રેસ્ક્યુ અધિકારીઓની ટીમ પહોંચી ગઈ છે.

નર્મદા નદીના પુલ પર બ્રેક ફેઈલ થવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. તપાસ બાદ સમગ્ર સ્થિતિ સ્પષ્ટ થશે. તેઓએ કહ્યું કે, નર્મદા નદીનો પ્રવાહ પણ તેજ છે. નજરે જોનારાઓએ જણાવ્યું કે, બસમાં 50-55 મુસાફરો સવાર હતા. વડા પ્રધાન મોદીએ અને મુખ્ય પ્રધાન શિવરાજ ચૌહાણે ટ્વીટ કરીને મૃતકો પ્રત્યે ઘેરી સંવેદના વ્યક્ત કરી હતી.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના મૃતકોના પરિવારજનોને રૂ. 10 લાખનું વળતર આપવાની ઘોષણા કરી હતી. વડા પ્રધાને પણ દરેક મૃતકોના પરિવારના સભ્યને રૂ. બે લાખના વળતર અને ઇજા પામેલી વ્યક્તિને રૂ. 50,000 આપવાની જાહેરાત કરી હતી. મહારાષ્ટ્રના ઉપ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ ટ્વીટ કરીને મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.