કુશીનગરમાં કૂવામાં પડતાં બાળકો સહિત 13નાં મોત, 10 ઘાયલ

કુશીનગરઃ ઉત્તર પ્રદેશના કુશીનગરમાં બુધવારે રાત્રે લગ્ન સમારંભમાં કૂવામાં પડવાથી મહિલાઓ અને બાળકો સહિત 13 લોકોનાં મોત થયાં છે. વાસ્તવમાં લગ્નમાં મહિલાઓ અને બાળકો એક જૂના કૂવા પર બેઠાં હતાં, ત્યારે એ સ્લેબથી ઢંકાયેલો હતો. આ સ્લેબ વધુ વજન હોવાને કારણે નીચે પડી ગયો હતો અને એના પર બેઠેલા લોકો પણ કૂવામાં પડી ગયા હતા, એમ અધિકારીઓએ કહ્યું હતું. આ દુર્ઘટના પછી એ લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં 13 લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં 10 લોકોને ગંભીર ઇજા થઈ હતી.

આ ઘટનાને લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે ટ્વીટ કરીને લખ્યું હતું કે ઉત્તર પ્રદેશના કુશીનગરમાં થયેલી દુર્ઘટના દુખદ છે, એમા જે લોકોએ જીવ ગુમાવ્યા છે, તેમના પરિવારજનો પ્રત્યે મારી ઘેરી સંવેદના વ્યક્ત કરું છું. એ સાથે ઘાયલો જલદી સ્વસ્થ થાય એવી પ્રાર્થના કરું છું. સ્થાનિક વહીવટી તંત્ર દરેક સંભવ મદદ કરી રહ્યું છે.

મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે જનપ્રદ કુશીનગરના નેબુઆ નૌરંગિયા સ્ટેશન ક્ષેત્રમાં કૂવામાં પડવાથી દુર્ઘટનામાં લોકોનાં મોત પર ઘેરું દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને તત્કાળ ઘટનાસ્થળે પહોંચીને બચાવ અને રાહત કાર્ય કરવા અને ઘાયલ થયેલા લોકોને સારવાર માટે નિર્દેશ આપ્યા છે.

DM રાજલિંગમે કહ્યું હતું નેબુઆ નૌરંગિયામાં દુર્ઘટનામાં મૃતકોના પરિવારને રૂ. ચાર-ચાર લાખની આર્થિક મદદની જાહેરાત કરી હતી. રેસ્ક્યુ ઓપરેશનમાં જેની પણ બેદરકારી સામે આવશે, તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.