દેશમાં 12 ઔદ્યોગિક સ્માર્ટ સિટી બનાવવામાં આવશેઃ અશ્વિની વૈષ્ણવ

નવી દિલ્હીઃ કેન્દ્રીય કેબિનેટે દેશમાં 12 ઇન્ડસ્ટ્રિયલ સ્માર્ટ શહેર બનાવવાની મંજૂરી આપી દીધી છે. જેનાથી આશરે 10 લાખ લોકોને રોજગાર મળી શકશે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂ. 28,602 કરોડ થશે, એમ માહિતી અને પ્રસારણ મંત્રીએ એ વિશે માહિતી આપી હતી. આ ઇન્ડસ્ટ્રિયલ સ્માર્ટ સિટી નેશનલ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ કોરિડોર પ્રોગ્રામ હેઠળ બનાવવામાં આવી રહ્યા છે.

આ સિવાય કેન્દ્રીય મંત્રીમંડળે પૂર્વોત્તર રાજ્યોના હાઇડ્રોપાવરના વિકાસ માટે રૂ. 4136 કરોડના ઇક્વિટી સમર્થનને મંજૂરી આપી છે. જ્યારે ત્રણ નવા રેલવે ઇન્ફ્રા પ્રોજેક્ટને પણ મોદી કેબિનેટની મંજૂરી મળી ગઈ છે.

સરકારનું કહેવું છે કે ઇન્ડસ્ટ્રિયલ સ્માર્ટ સિટીથી આશરે 10 લાખ પ્રત્યક્ષ નોકરીઓ પેદા થશે. એનાથી અપ્રત્યક્ષ રીતે 50-70 લાખ વધારાની નોકરીઓ પેદા થશે. રૂઢિવાદી રૂપથી રૂ. 1.5 લાખ કરોડના મૂડીરોકાણની સંભાવના પેદા થશે.

આ રાજ્યોમાં બનશે સ્માર્ટ સિટી

આ ઇન્ડસ્ટ્રિયલ સ્માર્ટ સિટી ઉત્તરાખંડના ખુરપિયા, પંજાબના રાજપુરા-પટિયાલા, મહારાષ્ટ્રના દિધી, કેરળના પલક્કડ, ઉત્તર પ્રદેશના આગરા અને પ્રયાગરાજ, બિહારના ગયા, તેલંગાણાના જહિરાબાદ, આંધ્ર પ્રદેશના ઓર્વકલ અને કોપર્થી અને રાજસ્થાનના જોધપુર-પાલીમાં સ્થિત હશે.

સરકારનો દાવો છે કે આ પગલાથી દેશના ઔદ્યોગિક પરિદ્રષ્ય બદલાઈ જશે. એનાથી ઔદ્યોગિક ક્ષેત્ર અને શહેરોનું એક મજબૂત નેટવર્ક તૈયાર થશે, જે આર્થિક વૃદ્ધિ અને વૈશ્વિક સ્પર્ધાને પ્રોત્સાહન આપશે. આ શહરોને વૈશ્વિક માપદંડોને આધારે નવા સ્માર્ટ શહેરોના રૂપે વિકસિત કરવામાં આવશે.

દેશમાં 12 નવા ઔદ્યોગિક શહેરોની સ્થાપનાની ઘોષણાની સાથે આ પ્રકારનાં શહેરોની કુલ સંખ્યા 20 થઈ જશે.