વિશાખાપટ્ટનમઃ આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં ગઈ વહેલી સવારે લગબગ 2.30 વાગે એક મલ્ટીનેશનલ કેમિકલ કંપનીના પ્લાન્ટમાંથી ગેસનું ગળતર થવાને કારણે એક બાળક સહિત 11 જણના મોત થયા છે. જ્યારે 1000થી વધુ લોકો બીમાર પડી ગયાં છે. આ ગેસ લીકેજથી 3 કિમી સુધીનો વિસ્તાર પ્રભાવિત થયો છે. સુરક્ષા કારણસર 6 જેટલા ગામડાઓને ખાલી કરાવાયા છે. પ્લાન્ટમાંથી સ્ટાઈરીન ગેસ લીક થયો હતો.વિશાખાપટ્ટનમના આર.આર વેંકટપુરમમાં આવેલા એલ.જી. પોલીમર્સ કંપનીના પ્લાન્ટમાંથી રાસાયણિક ગેસ લીક થયો હતો. એને કારણે એની અસરમાં આવેલા લોકોને આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. આ ફરિયાદ બાદ એમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
કોરોના વાઈરસના ફેલાવાને કારણે લોકડાઉન લાગુ કરાયા બાદ એલ.જી. પોલીમર્સ કંપનીના પ્લાન્ટને બંધ કરી દેવામાં આવ્યો હતો, પણ ગઈ મધરાતે કોઈ પણ પ્રકારની સાવચેતી લીધા વગર એને ફરી ચાલુ કરવામાં આવ્યો હતો.
ગેસનું ગળતર થયા બાદ લોકો રસ્તા પર અને એમના ઘરની નજીક બેશુદ્ધ અવસ્થામાં પડેલા જોવા મળ્યા હતા.
ગેસનું ગળતર વહેલી સવારે લગભગ અઢી વાગ્યાની આસપાસ શરૂ થયું હતું. પ્લાન્ટ ગયા માર્ચ મહિનાથી બંધ હતો.
પીએમ નરેન્દ્ર મોદી આ સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તેમણે સ્થિતિની સમીક્ષા કરવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટની એક બેઠક બોલાવી છે.
પાંચ વ્યક્તિ તો એમના ઝૂંપડામાં રાતે સૂતેલી હાલતમાં જ મૃત્યુ પામેલા મળી આવ્યા હતા.
મૃતકોમાં 8-વર્ષની એક બાળકીનો પણ સમાવેશ થાય છે.
એક પુરુષે કૂવામાં કૂદકો માર્યા બાદ એ મૃત્યુ પામ્યો હતો જ્યારે અન્ય એક વ્યક્તિ એના ઘરની બાલ્કનીમાંથી નીચે પડવાથી મૃત્યુ પામ્યો હતો.
પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે મેં વિશાખાપટ્ટનમની સ્થિતિ અંગે ગૃહ મંત્રાલય અને નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીના અધિકારીઓ સાથે વાત કરી છે જેના પર બાજ નજર રાખવામાં આવી રહી છે. હું વિશાખાપટ્ટનમમાં તમામની સુરક્ષા અને કલ્યાણ માટે પ્રાર્થના કરું છું. પીએમ મોદીએ આંધ્ર પ્રદેશના સીએમ વાય એસ જગનમોહન રેડ્ડી સાથે વાતચીત કરી છે. તેમને તમામ મદદ અને સહાયતાનું આશ્વાસન આપ્યું છે.
ગૃહ મંત્રી અમિત શાહે ટ્વીટ કરીને જણાવ્યું કે આ ઘટના પર નજર રાખવામાં આવી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે વિશાખાપટ્ટનમમાં ઘટેલી ઘટના પરેશાન કરનારી છે. NDMAના અધિકરીઓ અને સંબંધિત અધિકારીઓ સાથે વાત કરી. અમે સ્થિતિ પર સતત અને બારીકાઈથી નજર રાખી રહ્યાં છીએ. હું વિશાખાપટ્ટનમના લોકોના સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.