વંદે માતરમ મિશનઃ ભારતીયોના સ્વદેશાગમનની આજથી શરૂઆત

નવી દિલ્હીઃ કોરોના વાઈરસના ફેલાવાને કારણે જુદા જુદા દેશોમાં ફસાઈ ગયેલા ભારતીયોને સ્વદેશ પાછા લાવવાની પ્રક્રિયા આજથી શરુ થઈ ગઈ છે. આજે બે ફ્લાઈટ દ્વારા 350 જેટલા લોકોને ભારત પાછા લવાશે. આશરે એક સપ્તાહ સુધી ચાલનારા આ મિશનને વંદે માતરમ મિશન નામ આપવામાં આવ્યું છે. 64 ફ્લાઈટ્સ અને કેટલાક નેવીના જહાજોની મદદથી વિદેશમાં ફસાયેલા ભારતવાસીઓને વતન પાછા લાવવાની તૈયારી કરવામાં આવી છે. એક સપ્તાહમાં 64 ફ્લાઈટ્સ દ્વારા દેશના 10 રાજ્યોમાં 14.5 હજારથી વધારે ભારતીયો પાછા આવશે. સૌથી વધારે 15 જેટલી ફ્લાઈટ્સ કેરળ પહોંચશે. દિલ્હી-એનસીઆર અને તમિલનાડુ માટે 11, તેલંગાણા 7 અને ગુજરાતમાં 5 ફ્લાઈટ્સ પહોંચશે. બાંગ્લાદેશથી આશરે 600 જમ્મૂ-કાશ્મીરના નાગરિકો પણ પાછા આવશે. સૌથી વધારે 2100 નાગરિકો અમેરિકાથી પાછા આવશે. તો સંયુક્ત અરબ અમીરાતમાંથી 1600 જેટલા નાગરિકો પાછા આવશે. અહીંયા પ્રાથમિકતા એ લોકોને આપવામાં આવી છે કે જેઓ કાં તો કોઈ મુશ્કેલીમાં છે અને કાં તો મજબૂરી છે. આ સિવાય મલેશિયા, સિંગાપોર, ફિલિપીન્સ જેવા પૂર્વ એશિયાઈ દેશો અને અમેરિકા તેમજ બ્રિટન જેવા દેશોથી પણ પ્રથમ દોરની ફ્લાઈટમાં લોકોને લાવવામાં આવી રહ્યા છે.

માલદીવથી ઈન્ડિયન નેવીનું એક યુદ્ધજહાજ 700 ભારતીય નાગરિકોને લઈને આવશે. આ જહાજ 8 મેના રોજ માલેથી રવાના થશે અને કોચ્ચી આવશે. નેવીના જહાજ દ્વારા થનારી યાત્રાનો ખર્ચ સરકાર ઉઠાવશે. બધા લોકો માટે વતન વાપસીની આ યાત્રા ફ્રી નહીં હોય. નાગરિક ઉડ્ડયન મંત્રાલય અનુસાર, લંડનથી મુંબઈ આવનારા વ્યક્તિએ 50,000 અને શિકાગોથી દિલ્હી આવનારા વ્યક્તિને 1,00,000 લાખ રુપિયા જેટલું ભાડું આપવું પડશે.

ગૃહ મંત્રાલયે કહ્યું છે કે, ફ્લાઈટ પહેલા યાત્રીઓનું મેડિકલ સ્ક્રીનિંગ કરવામાં આવશે. જે ભારતીયોમાં ઉધરસ, તાવ અથવા શરદીના લક્ષણો જોવા મળશે, તેમને સફર પર જવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ સિવાય ભારત આવ્યા બાદ આ તમામ લોકોને 14 દિવસ સુધી હોસ્પિટલ અથવા કોઈ અન્ય સ્થાન પર ક્વોરન્ટાઈન કરવામાં આવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]