તેલંગાણામાં અધિકારીને ઘરે દરોડામાં રૂ. 100 કરોડની સંપત્તિ મળી

નવી દિલ્હીઃ તેલંગાણા એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ હૈદરાબાદમાં એક કોર્પોરેશનના અધિકારીના ઘરે અને ઓફિસમાંથી આશરે રૂ. 100 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી. આ અધિકારીની ઓળખ શિવ બાલકૃષ્ણ તરીકે કરવામાં આવી છે. ACBએ કહ્યું હતું કે 14 ટીમોએ અધિકારીથી જોડાયેલાં સ્થાનો પર તપાસ કરી હતી અને ગુરુવારે પણ તપાસ જારી રહેશે. તેની પાસેથી જપ્ત કરવામાં આવેલી સંપત્તિમાં સોનું, ફ્લેટ અને બેન્ક ડિપોઝિટ સામેલ છે.

અહેવાલ અનુસાર શિવ બાલકૃષ્ણ તેલંગાણા સ્ટેટ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (TSRERA)ના સેક્રેટરી અને હૈદરાબાદ મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ ઓથોરિટી (HMDA)ના પૂર્વ ડિરેક્ટર છે. બુધવારે સવારે પાંચ વાગ્યાથી ACBએ દરોડા પાડી તપાસ શરૂ કરી હતી. ભ્રષ્ટાચારવિરોધી બ્યુરોએ તેમના ઘર અને ઓફિસો અને અન્ય અગ્રણી સ્થળોની તપાસ કરી હોવાની માહિતી બહાર આવી રહી છે.

ACBના અધિકારીઓના જણાવ્યાનુસાર અધિકારીઓએ બે કિલો સોનું, 60 કાંડા ઘડિયાળ, 14 ફોન, 10 લેપટોપ અને કેટલીક સંપત્તિના દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે.

તાજેતરના કેસમાં ACBએ દરોડા અંગે કહ્યું છે કે હજુ પણ તપાસ ચાલી રહી છે અને ઘણા અલગ-અલગ જગ્યાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. ACBને દરોડામાં નોટ ગણવાનું મશીન પણ મળી આવ્યું હતું. હૈદરાબાદ મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ ઓથોરિટી (HMDA)ના પૂર્વ ડિરેક્ટર શિવ બાલકૃષ્ણની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.