લોકસભામાં નાણાપ્રધાન નિર્મલા સીતારામને રજૂ કર્યું શ્વેત પત્ર

નવી દિલ્હીઃ નાણાં મંત્રી નિર્મલા સીતારામને લોકસભામાં ભારતીય અર્થતંત્ર પર શ્વેત પત્ર રજૂ કરી દીધું છે. હવે એના પર આવતી કાલે ચર્ચા કરવામાં આવશે. UPAના  2004થી 2014 સુધીના કાર્યકાળમાં આર્થિક સ્થિતિ પર એક શ્વેત પત્ર રજૂ કર્યું છે. UPA સરકારનાં 10 વર્ષોથી NDA સરકારનાં 10 વર્ષોની તુલના કરવા માટે શ્વેત પત્ર સરકાર લઈને આવી છે. આ શ્વેત પત્ર એક સરકારી દસ્તાવેજ છે.એના દ્વારા સરકાર નીતિઓ અને સફળતાઓને હાઇલાઇટ કરવા પ્રયાસ કરશે.

લોકસભામાં કાલે 12 વાગ્યે ચર્ચાના સમયે વાઇટ પેપરના મુદ્દા પર ચર્ચા માટે પ્રસ્તાવિત છે. ભાજપ તરફથી સુનીતા દુગ્ગલ, તેજસ્વી સૂર્યા, નિશિકાંત દુબે, જયંત સિન્હા સહિત અન્ય સાંસદો આ શ્વેત પત્ર પર પોતાની વાત રજૂ કરશે. આ શ્વેત પત્રમાં તબક્કાવાર રીતે 2004થી 2014ની વચ્ચે UPA સરકારની આર્થિક નીતિઓમાં રહેલી ખામીઓનો ઉલ્લેખ છે. આ ખામીઓની જગ્યાએ શું કરવું જોઈએ, તે વાતનો પણ ઉલ્લેખ આ શ્વેત પત્રમાં કરવામાં આવ્યો છે.

ત્યાર બાદ 2014થી 2024 સુધી મોદી સરકારના કાર્યકાળમાં આર્થિક નીતિઓ કેવી રીતે લાગુ થઈ, તે વાતને સંસદમાં બતાવવામાં આવશે. ત્યાર બાદ આ શ્વેત પત્ર પર ચર્ચાનો સમય પણ પ્રસ્તાવિત છે. પીએમ મોદીની સરકારે વર્ષ 2014થી પહેલા અર્થવ્યવસ્થાની કુનીતિ વિશે આ શ્વેત પત્રને સંસદમાં રજૂ કર્યું છે. પીએમ મોદીની આગેવાનીમાં પહેલી વાર સરકાર 2014માં બની હતી. તેના પહેલા સતત 10 વર્ષ સુધી 2004-10 મનમોહન સિંહની આગેવાનીવાળી સરકાર રહી હતી. મોદી સરકારનો બીજો કાર્યકાળ પણ ટૂંક સમયમાં ખતમ થવાનો છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે વર્ષ 2024-25નું વચગાળાનું બજેટ રજૂ કરતા આ કુનીતિ પર શ્વેત પત્ર લાવવાની જાણકારી આપી હતી. સીતારમણે કહ્યું હતું કે, સરકાર અર્થવ્યવસ્થા વિશે સંસદના પટલ પર શ્વેત પત્ર રજૂ કરશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણમાં કહ્યું કે, 2014માં દેશની કમાન સંભાળ્યા બાદ સરકાર સંકટોના નિવારણ કરવામાં સફળ રહી અને હવે અર્થવ્યવસ્થા સર્વાંગીણ વિકાસ સાથે ઉચ્ચ વૃદ્ધિની રાહ પર અગ્રેસર છે.