મધ્ય પ્રદેશમાં આવતી કાલે કમલનાથ સરકારની કસોટી    

 નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશ વિધાનસભાના સ્પીકર એન. પી. પ્રજાપતિને આવતી કાલે વિશેષ સત્ર દ્વારા સાંજે પાંચ વાગ્યા સુધીમાં ફ્લોર ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો હતો. ડી. વાય. ચંદ્રચૂડની અધ્યક્ષતામાં બનેલી ખંડપીઠે આ ફ્લોર ટેસ્ટનું કમલનાથ સરકારનો ફ્લોર ટેસ્ટ ચાલી રહ્યો હોય ત્યારે એ વિધાનસભાની કાર્યવાહીનું વિડિયો રેકોર્ડિંગ અને શક્ય હોય તો જીવંત પ્રસારણ કરવાનો આદેશ પણ કર્યો હતો. વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ હાથ ઉઠાવીને મતદાન કરાવવામાં આવશે. કોર્ટે એ પણ કહ્યું હતું કે કોંગ્રેસના 16 બળવાખોર વિધાનસભ્યો ઇચ્છે તો તેઓ પણ વિધાનસભામાં આવી શકે છે, એ માટે કોર્ટે મધ્ય પ્રદેશ અને કર્ણાટકના પોલીસ વડાને તેમના માટે પૂરસી સુરક્ષા વ્યવસ્થા આપવા આદેશ આપ્યો હતો. ખંડપીઠે વિધાનસભાના સચિવને આદેશમાં કહ્યું હતું કે વિધાનસભામાં આવતી કાલે એક જ એજન્ડા હોવો જોઈએ અને એમાં કોઈ પણ રીતે કાયદો અને વ્યવસ્થામાં અડચણ ઊભી ના થવી જોઈએ.

   શિવરાજસિંહ ચૌહાણનું ‘સત્યમેવ જયતે’

સુપ્રીમ કોર્ટના આ ચુકાદા પછી શિવરાજસિંહ ચૌહાણે સુપ્રીમના આદેશને માથે ચઢાવતાં કહ્યું હતું કે કમલનાથના લોભ, દબાણ અને પ્રલોભનના દરેક પ્રયાસ નિષ્ફળ રહ્યા છે. આ જનતા સાથે છળ અને વિશ્વાસઘાત કરનારી સરકાર છે.

કમળ ખીલશે કે ફરી કમલનાથ સરકાર?

મધ્ય પ્રદેશમાં છેલ્લા કેટલાય સમયથી જ્યોતિરાદિત્ય શિંધિયાએ ઊભું કરેલું રાજકીય સંકટ હતું, પણ હવે આવતી કાલે કમલનાથ સરકારનો ફેસલો થઈ જશે. હવે જોવાનું એ રહે છે કે આવતી કાલે કોંગ્રેસની કમલનાથ સરકાર રહેશે કે ભાજપનું કમલ ખીલશે?

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]