51 દિવ્યાંગ યુગલના ભવ્ય લગ્ન: પ્રી-વેડિંગ, મહેંદી, હલ્દી, સંગીત અને વિદાય સાથે

ઉદયપુર: કરુણા, ગૌરવ અને સામાજિક સમાવેશીતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતો એક ભવ્ય ઉત્સવ શહેરમાં ઉજવાયો. નર (દિવ્યાગો)માં નારાયણને જોઈને તેના ઉત્થાન માટે કાર્યરત ‘નારાયણ સેવા સંસ્થાન’એ સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું. ‘સેવા મહાતીર્થ, લિયો કા ગુડા’ સંકુલમાં દિવ્યાંગો તથા આર્થિક રીતે નબળા યુગલો માટે વિના મૂલ્યે 45મો સમૂહ લગ્ન સમારંભ સફળતાપૂર્વક યોજવામાં આવ્યો.14 અને 15 માર્ચ, એમ બે દિવસના આ શાનદાર સમારંભમાં યોજવામાં આવ્યો હતો. જેમાં દેશના વિવિધ વિસ્તારોમાંથી આવેલા 51 યુગલો વૈદિક મંત્રોચ્ચાર તથા પવિત્ર પરંપરાઓ સાથે લગ્નના બંધનમાં બંધાયા હતા. મુખ્ય અતિથિ તરીકે દર્શના મેહતા, યશ મેહતા અને ઓમ પ્રકાશ સોની ખાસ હાજર રહ્યા હતા. સંસ્થાના સંસ્થાપક કૈલાશ ‘માનવ’ અગ્રવાલ, કમલા દેવી, વંદના અગ્રવાલ, પલક અગ્રવાલ, તથા દાતાઓ, સમાજ સેવકો તેમજ વિશેષ અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્યાંગ વ્યક્તિઓને સશક્ત બનાવવા તથા સામાજિક સદભાવનાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી આ સમારોહ યોજવામાં આવ્યો હતો. આ ઉત્સવમાં એવા યુગલો એક સાથે આવ્યા કે જેઓ તેમના જીવનમાં અનેક મોટાં પડકારોનો સામનો કરતાં હતા. જેમણે સાહસ અને પરસ્પરના સહયોગ સાથે ભવિષ્યને અપનાવવાનો નિર્ણય કર્યો. પવિત્ર અગ્નિને સાક્ષી માનીને અને પંડિતો દ્વારા પરંપરાગત વેદિક મંત્રોચ્ચાર સાથે આ યુગલોએ લગ્ન જીવનની શરૂઆત કરી. સાત પવિત્ર વચન લીધા,જે આજીવન વચનબદ્ધતા, વિશ્વાસ અને જીવનસાથી પ્રત્યેના પ્રતીક છે.

આ નવવિવાહિત દંપત્તિ પૈકી કેટલીક એવી વ્યક્તિઓ છે, જે વિવિધ પ્રકારની દિવ્યાંગતા સાથે જીવન વિતાવી રહી છે. કેટલાકને તો હરવા-ફરવામાં તકલીફ પડી રહી છે, તો કેટલીક વ્યક્તિ આંખોની દ્રષ્ટિ ધરાવતી નથી. આ તમામ પ્રકારની મુશ્કેલી વચ્ચે પણ તેમણે એક સાર્થક લગ્ન જીવનની શરૂઆત કરવાનો હિમ્મતભર્યો અને મક્કમ ઈરાદો દર્શાવ્યો.

આ સમૂહલગ્નના લાભાર્થીઓ પૈકી કેટલાક દંપતીને વિના મૂલ્યે સુધારાત્મક સર્જરી, કૃત્રિમ અંગો, કેલિપર્સ અને પુનર્વસનને લગતી સેવાઓ મળી છે. જેને લીધે તેઓ હરીફરી શકવા સક્ષમ બન્યા હતા. તેમનામાં આત્મવિશ્વાસ તથા આત્મનિર્ભરતા પરત ફર્યા છે. સંસ્થા દ્વારા સંચાલિત કૌશલ-વિકાસ કાર્યક્રમો મારફતે આ પૈકી કેટલીક લોકોએ રોજગારી મેળવીને આત્મનિર્ભર બન્યા છે.51 પૈકી 25 યુગલ એવા છે, જેઓ કોઈને કોઈ દિવ્યાંગતા ધરાવે છે. 26 યુગલ સામાજિક આર્થિક રીતે નબળા વર્ગમાંથી આવે છે. આ પૈકી ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાંથી આવતા વિજય ગામરનો પણ સમાવેશ થાય છે, જેમણે ઉદયપુરના ચિખલા ગુડાની મંજૂ સાથે લગ્ન કર્યાં છે. મંજૂ પગની દિવ્યાંગતા ધરાવે છે. વિજય કહે છે, “ભલે મંજૂ શારીરિક રીતે દિવ્યાંગ હોય, પણ મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તે મારા જીવનમાં ઘણી બધી ખુશીઓ, હિંમત અના આશા લઈને આવશે.”આ પ્રસંગે સંબોધન કરતાં નારાયણ સેવા સંસ્થાનના અધ્યક્ષ પ્રશાંત અગ્રવાલે જણાવ્યું કે, “અમારો લક્ષ્યાંક દિવ્યાંગજનો માટે ગૌરવપૂર્ણ, આત્મવિશ્વાસથી ભરપૂર તથા સમાન તકોને સુનિશ્ચિત કરવાનો છે. જ્યારે સમાજ સહાનુભૂતિ અને સેવાના ભાવથી એકજૂટ થાય છે ત્યારે એક વધુ સમાવેશી તથા કરુણાપૂર્ણ રાષ્ટ્રનું નિર્માણ શક્ય બને છે.”લગ્ન સમારંભની શરૂઆત પરંપરાગત સંગીત તથા શુભ મંત્રોચ્ચાર વચ્ચે દંપતીઓનું વિધિવત સ્વાગતથી કરવામાં આવી હતી. સમારંભની ઔપચારિક શરૂઆત ‘તોરણ’ રસ્મથી કરવામાં આવી, ત્યારબાદ વરમાળાની રસ્મ કરવામાં આવી હતી. ત્યારબાદ પંડિતોએ 51 પવિત્ર મંત્રો સાથે વિવાહની વિધિ પૂરી કરાવી હતી. જ્યાં દંપતીએ સાત ફેરા લઈ જીવન પર્યાંત સાથ નિભાવવા અને એકબીજાનો સહારો બનવાનું વચન આપ્યું હતું.નવવિવાહિત દંપતીને ગૌરવપૂર્વક અને સ્થિરતા સાથે પોતાનું લગ્ન જીવન શરૂ કરવામાં મદદરૂપ થવા માટે સંસ્થાએ દરેક દંપતીને ઘર-ગૃહસ્થી માટે જરૂરી તમામ ચીજ-વસ્તુની ભેટ આપી હતી. જેમાં બેડ, બેન્ડિંગ વોર્ડરોબ, વાસણો, ગેસ સ્ટવ, ડિનર સેટ, પંખા તથા અન્ય દૈનિક જીવનમાં જરૂરી એવી ચીજવસ્તુઓનો સમાવેશ થતો હતો. મહેમાનો, દાતાઓ તથા શુભચિંતકોએ પણ દંપતીને મંગળસૂત્ર, બંગડીઓ, પાયલ અને અન્ય પરંપરાગત આભૂષણો વગેરે ભેટ આપી આશીર્વાદ આપ્યા હતા. આ ઉત્સવમાં શિવ-પાર્વતી તથા કૃષ્ણ-રુકમણીના દિવ્ય લગ્નને દર્શાવતી જીવંત સાંસ્કૃતિક પ્રસ્તુતિનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ દુલ્હનોને પ્રતીકાત્મક ‘ડોલી વિદાય’ આપવામાં આવી હતી-જે એક ખૂબ જ ભાવુક ક્ષણ હતી.આ સમારંભની સાથે નારાયણ સેવા સંસ્થાને અત્યાર સુધીમાં વિવિધ દિવ્યાંગ અને વંચિત વ્યક્તિઓના 2,561 લગ્ન કરાવ્યા છે. આ તેમનો 45મો પ્રયત્ન હતો. આ પહેલાં 44 સમૂહ લગ્નોમાં તેમણે 2510 દિવ્યાંગો તેમજ આર્થિક રીતે નબળા યુગ્લોનો મન મેળ કરાવી આપ્યો હતો. તેમના આ પ્રયાસો કરુણા, સશક્તિકરણ તથા સામાજિક વિકાસ પ્રત્યે તેમની લાંબાગાળાની કટિબદ્ધતા દર્શાવે છે.

(રાધિકા રાઓલ – અમદાવાદ)