બુસી-સેંટ-જ્યોર્જેસમાં ‘નમસ્તે’ શિલ્પનું અનાવરણ: ભારત-ફ્રાન્સની મિત્રતા અને સાંસ્કૃતિક એકતાનું પ્રતીક

પેરિસ / બુસી-સેંટ-જ્યોર્જેસ: ફ્રાન્સમાં નિર્માણ પામેલા પ્રથમ પરંપરાગત બી.એ.પી.એસ. (BAPS) સ્વામિનારાયણ હિન્દુ મંદિરના લોકાર્પણ અને ૧૩ દિવસીય ‘ફેસ્ટિવલ ઓફ કલ્ચર’ના ઉદ્ઘાટન પૂર્વે, ગ્રેટર પેરિસના બુસી-સેંટ-જ્યોર્જેસ ખાતે એક વિશેષ ‘નમસ્તે’ શિલ્પનું અનાવરણ કરવામાં આવ્યું છે. આ શિલ્પ ભારતીય સંસ્કૃતિના ઉમદા મૂલ્યો અને ભારત-ફ્રાન્સ વચ્ચેના મજબૂત સંબંધોનું પ્રતીક બની રહ્યું છે.એવન્યુ દુ જનરલ-દ-ગોલ ખાતે સ્થાપિત આ શિલ્પમાં હાથ જોડેલી સુપરિચિત ‘નમસ્તે’ મુદ્રા દર્શાવવામાં આવી છે, જે સ્વાગત, સન્માન અને નમ્રતાનો સંદેશ આપે છે. આ અનાવરણ સમારોહ સ્થાનિક મેયર યાન ડુબોસ્ક, ભારતના કોન્સ્યુલર મિનિસ્ટર કે. જી. પ્રવીણ કુમાર, આનંદસ્વરૂપદાસ સ્વામી તથા બી.એ.પી.એસ.ના વરિષ્ઠ સંતોની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો.સ્થાનિક મેયર યાન ડુબોસ્કે જણાવ્યું કે, આ જોડાયેલા હાથ માત્ર શાંતિ જ નહીં, પરંતુ ફ્રાન્સ અને ભારતની સંસ્કૃતિઓ તથા પરંપરાઓના સંગમનું ઉત્કૃષ્ટ પ્રતીક છે. આ અનોખું સ્થળ વિવિધ સમુદાયો અને સંસ્કૃતિઓને એક તાંતણે બાંધવાનું કામ કરે છે.ભારતના કોન્સ્યુલર મિનિસ્ટર કે. જી. પ્રવીણ કુમારે શિલ્પને ભારતીય સભ્યતા અને વારસાનું પ્રતીક ગણાવતા ઉમેર્યું કે, તે ફ્રાન્સના ‘સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ’ના આદર્શો સાથે સુમેળ સાધે છે. જ્યારે આનંદસ્વરૂપદાસ સ્વામીએ ‘નમસ્તે’ના માધ્યમથી નમ્રતા અને સેવાની ભાવનાનો ગહન સંદેશ આપ્યો હતો.

આ શિલ્પ શહેરમાં પ્રવેશતા તમામ લોકોનું ઉષ્માભર્યું સ્વાગત કરવા સાથે સ્થાનિક સમુદાયની વિવિધતા અને સર્વસમાવેશક ભાવનાને પણ પ્રતિબિંબિત કરે છે.