મસ્કે નવા બિલ મુદ્દે ટ્રમ્પને આપ્યો ખુલ્લો પડકાર

વોશિંગ્ટનઃ વિશ્વના સૌથી શ્રીમંત વ્યક્તિ એલન મસ્કે ફરી એક વાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારના ‘બિગ બ્યુટિફુલ બિલ’ની ટીકા કરી છે. માત્ર એટલું જ નહીં, મસ્કે પડકાર આપતાં કહ્યું હતું કે જો સેનેટ આ બિલને મંજૂરી આપશે તો તે બીજા જ દિવસે ‘અમેરિકન પાર્ટી’ નામે નવી રાજકીય પાર્ટી શરૂ કરશે.

ટેસ્લાના વડા એલન મસ્કે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું હતું કે જો આ પાગલપંતીભર્યું ખર્ચાળ બિલ પાસ થાય છે, તો બીજા જ દિવસે ‘અમેરિકા પાર્ટી’ બની જશે. આપણા દેશમાં ડેમોક્રેટ-રિપબ્લિકન પાર્ટીનો વિકલ્પ હોવો જોઈએ જેથી લોકોને ખરેખર અવાજ મળી શકે.

એક અન્ય પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે દરેક તે સાંસદ જેને લાગે છે કે ખર્ચ ઘટાડવો જોઈએ અને છતાંય આ ઐતિહાસિક રીતે દેવું વધારતા બિલના પક્ષમાં મત આપે છે, તેને શરમ આવવી જોઈએ.

આ બિલ લાખો નોકરીઓ ખતમ કરશેઃ મસ્ક

અરબપતિ મસ્ક લાંબા સમયથી બિગ બ્યૂટિફુલ બિલની ટીકા કરતા આવ્યા છે. મસ્કનું માનવું છે કે આ બિલને કારણે અમેરિકાને ભારે નુકસાન સહન કરવું પડશે. તેમણે કહ્યું હતું કે આ બિલથી અમેરિકામાં લાખો નોકરીઓ ખતમ થશે અને દેશને વ્યૂહાત્મક રીતે મોટું નુકસાન કરશે. તેમણે કહ્યું હતું કે આ બિલ સંપૂર્ણ રીતે પાગલપણું અને વિનાશક છે. તે ભૂતકાળના ઉદ્યોગોને લાભ આપે છે, જ્યારે ભવિષ્યના ઉદ્યોગોને ગંભીર નુકસાન પહોંચાડે છે.

શું છે ‘વન બિગ બ્યૂટિફુલ બિલ’?

એલન મસ્ક અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે વિવાદનું કારણ બનેલું ‘વન બિગ બ્યૂટિફુલ બિલ’ એ આવક અને મિલકતકર વધારવાની સાથે તેને સ્થાયી બનાવવાનું લક્ષ્ય ધરાવે છે. આ બિલનો ઉદ્દેશ ગેરકાયદે ઇમિગ્રેશન અટકાવવા માટે અમેરિકી સેના અને રક્ષણ ક્ષમતા પર વધુ ખર્ચ કરવો છે.